અમદાવાદના મુસાફરો ખાસ નોંધ લેજો! રવિવારથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભરશે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરો માટે એર ઈન્ડિયાએ એક મોટી જાહેરાત કરી છે. આગામી 29 માર્ચ, 2026થી એર ઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન ટર્મિનલ-1 પરથી હટાવીને ટર્મિનલ-2 પર સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ફેરફાર સાથે હવે એર ઈન્ડિયાની તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉડાન એક જ આધુનિક ટર્મિનલ પરથી ઓપરેટ થશે, જે મુસાફરો માટે વધુ અનુકૂળ રહેશે. એર ઈન્ડિયાના આ નિર્ણયથી અમદાવાદથી આવતી-જતી અંદાજે 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પ્રભાવિત થશે. અત્યાર સુધી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ટર્મિનલ-1 પરથી ઉડાન ભરતી હતી.
પરંતુ 29 માર્ચથી બંને પ્રકારની ફ્લાઈટ્સનું મુસાફરોના એરપોર્ટ અનુભવને વધુ બહેતર બનાવવાના હેતુથી આ સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. 49,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ટર્મિનલ-2 અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં મુસાફરોને ઝડપી ચેક-ઈન માટે ૫૨ કાઉન્ટર્સ, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, બાયોમેટ્રિક એન્ટ્રી માટે 'ડિજીયાત્રા' અને અનેક પ્રીમિયમ રિટેલ તેમજ ફૂડ આઉટલેટ્સનો લાભ મળશે. આ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ચેક-ઈન અને સિક્યોરિટીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. એર ઈન્ડિયા દ્વારા તમામ અસરગ્રસ્ત મુસાફરોને એસએમએસ અને ઈ-મેઈલ મારફતે વ્યક્તિગત જાણ કરવામાં આવી રહી છે.
તેમ છતાં, એરલાઈન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઈટની વિગતો અને ટર્મિનલ નંબર ફરી એકવાર ચકાસી લે. આ ફેરફાર નવા સમર શિડ્યુલના અમલીકરણ સાથે લાગુ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર એર ઈન્ડિયાના કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે, જે મુસાફરોને નવા ટર્મિનલ પર માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે. ક્ષમતા અને આધુનિક ટેકનોલોજીને કારણે મુસાફરોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે તેવી એરલાઈન દ્વારા ખાતરી આપવામાં આવી છે.