માત્ર 10 દિવસ અને પછી તે થશે...' ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યું છે?ઈરાન સાથેના સંભવિત યુદ્ધ વિશે વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકારે કર્યો ખુલાસો...
વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર અને અમેરિકી સુરક્ષા નિષ્ણાત રોબર્ટ પેપે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના મતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં એક એવી જાળમાં ફસાઈ ગયા છે જેમાંથી બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. પેપે ચેતવણી આપી છે કે જો ટ્રમ્પ ઈરાન સામે સૈન્ય કાર્યવાહીમાં ઉતાવળ કરશે અથવા ત્યાં પોતાના સૈનિકો ઉતારશે, તો તેઓ આ ચક્રવ્યૂહમાં વધુ ઊંડા ઉતરી જશે. આ સ્થિતિ એવી સર્જાઈ શકે છે કે ઈરાન તેલની દુનિયામાં એકમાત્ર શક્તિશાળી દેશ બનીને ઉભરી આવે અને વૈશ્વિક બજારો પર પોતાનું નિયંત્રણ જમાવી લે, જે અમેરિકા માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે.
રોબર્ટ પેપના વિશ્લેષણ મુજબ, ટ્રમ્પ અત્યારે ભલે ઉપરછલ્લી રીતે હુમલામાં રાહત આપવાની વાતો કરી રહ્યા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ટ્રમ્પ હાલમાં તે 10 દિવસોની રાહ જોઈ રહ્યા છે જેમાં અમેરિકન મરીન ફોર્સ ઈરાન નજીક પહોંચી જાય. ભલે ટ્રમ્પે પાંચ દિવસ માટે હુમલા રોકવાની જાહેરાત કરી હોય, પણ આ યુદ્ધ ટાળવાનો પ્રયાસ નથી પરંતુ પોતાની સૈન્ય શક્તિને નિશ્ચિત સ્થાને ગોઠવવાની એક ગુપ્ત રણનીતિ છે. પેપે ખાસ નોંધ્યું છે કે US મરીનને લઈને જઈ રહેલા જહાજોને પાછા વળવાના કોઈ આદેશ આપવામાં આવ્યા નથી, જે સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકા પીછેહઠ કરવાના મૂડમાં નથી.
જ્યારે આ અમેરિકી જહાજો નિર્ધારિત સ્થાને પહોંચશે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને હોર્મુઝની ખાડી પર ઈરાનનું વર્ચસ્વ જળવાઈ રહેવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વિશ્વના અર્થતંત્ર પર મંદીનું જોખમ તોળાઈ શકે છે. છેલ્લા 50 વર્ષથી અમેરિકાની મધ્ય-પૂર્વની રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન જેવા દેશોને 'ઓઈલ હેજેમન' એટલે કે તેલના બેતાજ બાદશાહ બનતા રોકવાનો રહ્યો છે. પેપના મતે આ લડાઈ માત્ર ઈઝરાયેલના રક્ષણ માટે નથી, પરંતુ વૈશ્વિક તેલ પુરવઠા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની એક મોટી રમત છે.
આ ભયાનક સ્થિતિને કાબૂમાં લેવાનો એકમાત્ર રસ્તો ઈઝરાયેલ પર સૈન્ય અંકુશ મેળવવાનો છે, જે ટ્રમ્પ માટે સૌથી મોટો પડકાર બની રહેશે. ઈઝરાયેલના નેતન્યાહુ દ્વારા હુમલો ન કરવાના વચનો પર હવે ભરોસો મૂકી શકાય તેમ નથી, કારણ કે ભૂતકાળમાં પણ તેમણે ઈરાની વાટાઘાટકારોની હત્યા કરીને વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપો છે. આવી સ્થિતિમાં રોબર્ટ પેપ માને છે કે જો ટ્રમ્પ ઈઝરાયેલને મક્કમતાથી નિયંત્રિત કરી શકે તો જ આ ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહેવાની કોઈ આશા છે, અન્યથા આગામી દિવસોમાં વિશ્વ એક મોટા અને લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધની સાક્ષી બની શકે છે.