ટ્રમ્પની 'ફાઈનલ વોર્નિંગ' અને ઈરાને શરૂ કર્યો ઈઝરાયેલ પર મિસાઈલ મારો, મિડલ ઈસ્ટમાં યુદ્ધનાં ભણકારા વધ્યાં?
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયો હોય તેમ જણાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા કડક અલ્ટીમેટમના ગણતરીના કલાકોમાં જ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવીને સીધો પડકાર ફેંક્યો છે. આજે ગુરુવારે થયેલા આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને તોડી પાડવા માટે ઈઝરાયેલી સેનાએ તાત્કાલિક પોતાનું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કર્યું હતું. સેનાના રિપોર્ટ અનુસાર, આ માત્ર એક છૂટક હુમલો નહોતો, પરંતુ ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ત્રીજી વખત મિસાઈલો છોડવામાં આવી હતી, જે ઈરાનના આક્રમક મિજાજને સ્પષ્ટ કરે છે.
આ ભયાનક હુમલાના પગલે ઉત્તર ઈઝરાયેલના અનેક વિસ્તારોમાં ભયના સાયરન ગુંજી ઉઠ્યા હતા અને નાગરિકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી. નવાઈની વાત એ છે કે, આ હુમલો બરાબર એ જ સમયે થયો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા. ટ્રમ્પે પોતાના ભાષણમાં ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ઈરાન તુરંત સમજૂતી નહીં કરે અને યુદ્ધ નહીં રોકે તો તેને 'સ્ટોન એજ' એટલે કે પાષાણ યુગમાં ધકેલી દેવામાં આવશે.
ટ્રમ્પની આ ધમકીના જવાબમાં ઈરાને મિસાઈલો છોડીને એ સંકેત આપ્યા છે કે તે અમેરિકી દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. જોકે, પ્રારંભિક અહેવાલો મુજબ ઈઝરાયેલમાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના સમાચાર નથી, પરંતુ સ્થિતિ ગમે ત્યારે વિસ્ફોટક બની શકે છે.
આ ભીષણ સંઘર્ષના મૂળ 28 ફેબ્રુઆરીના રોજ સર્જાયેલી ઘટનાઓમાં રહેલા છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર આકસ્મિક અને મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થતા મિડલ ઈસ્ટની રાજનીતિ અને યુદ્ધના સમીકરણો બદલાઈ ગયા હતા. અમેરિકાએ આ સૈન્ય કાર્યવાહીને 'ઓપરેશન એપિક ફ્યુરી' નામ આપ્યું હતું, જ્યારે ઈઝરાયેલે તેને 'ઓપરેશન રોઅરિંગ લાયન' તરીકે ઓળખાવ્યું હતું. ત્યારથી જ બંને પક્ષો વચ્ચે ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે, જે હવે સીધા યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યો છે.
ટ્રમ્પે પોતાના તાજેતરના સંબોધનમાં ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા પોતાના સૈન્ય લક્ષ્યોને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ રાજદ્વારી સમજૂતી નહીં સધાય, તો અમેરિકી વાયુસેના ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને મહત્વના આંતરમાળખાકીય સ્થાપનોને એકસાથે નિશાન બનાવશે. ટ્રમ્પે એમ પણ સ્વીકાર્યું હતું કે તેમનો પ્રાથમિક હેતુ ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો નહોતો, પરંતુ બદલાતા સંજોગોએ પરિસ્થિતિને આ વળાંક પર લાવી દીધી છે, જેના કારણે હવે આરપારની લડાઈ અનિવાર્ય બની ગઈ છે.
PHOTO CREDIT : GOOGLE (file photo)