April 7, 2026
ગુજરાત

તૈયાર ખીરામાં શું હતું એવું? અમદાવાદમાં બે બાળકીઓના મોતના દાવા બાદ તંત્ર દોડતું થયું

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>તૈયાર ખીરામાં શું હતું એવું? </strong></span>અમદાવાદમાં બે બાળકીઓના મોતના દાવા બાદ તંત્ર દોડતું થયું</p>

 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ડેરીમાંથી લાવેલું ઢોસાનું ખીરું એક પરિવાર માટે જીવલેણ સાબિત થયું છે. ચાંદખેડાની 'ઘનશ્યામ ડેરી'માંથી લાવેલા ખીરાના ઢોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગને કારણે બે માસૂમ બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે તેમના માતા-પિતા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

પરિવારનો આક્ષેપ છે કે ડેરીના ખરાબ ખીરાને કારણે જ આ દુર્ઘટના ઘટી છે, જ્યારે બીજી તરફ ડેરી માલિકે સીસીટીવી ફૂટેજ અને અન્ય ગ્રાહકોનો હવાલો આપી પોતાનો બચાવ કર્યો છે. હાલ ચાંદખેડા પોલીસે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે અને ખીરાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પીડિત પરિવારે ન્યાયની પોકાર લગાવી છે.

પરિવારજન ગૌરીશંકર પ્રજાપતિના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર 1એપ્રિલના રોજ ચાંદખેડાના આઈસરી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યો હતો. રાત્રે ઢોસા ખાધા બાદ બીજા દિવસે સવારથી જ પરિવારના તમામ સભ્યોને ઉલટીઓ થવા લાગી હતી. તબિયત લથડતા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઓક્સિજનની કમી સર્જાતા બંને બાળકીઓએ દમ તોડ્યો હતો. હાલ ભાવનાબેન અને વિમલભાઈ પ્રજાપતિ ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.

ચાંદખેડા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. પીડિત પરિવારે પોલીસ પાસે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી કડક ન્યાય અપાવવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.