UCO બેંક કૌભાંડ: બેંકના પૂર્વ મેનેજરો સહિત ચારને 05 વર્ષની જેલની સજા, CBI કોર્ટે ફટકાર્યો કરોડોનો દંડ
બેંકિંગ ક્ષેત્રે વિશ્વાસ અને પારદર્શિતા અત્યંત અનિવાર્ય છે, પરંતુ જ્યારે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા જવાબદાર અધિકારીઓ જ સત્તાનો દુરુપયોગ કરી આર્થિક ઉચાપત કરે છે, ત્યારે સામાન્ય જનતાનો બેંકિંગ સિસ્ટમ પરથી ભરોસો ડગી જાય છે. અમદાવાદની સીબીઆઈ (CBI) કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે જનતાના નાણાં સાથે છેતરપિંડી કરનાર ગમે તેટલા પ્રભાવશાળી હોય, કાયદો તેમને છોડશે નહીં.
ગાંધીનગરના ચિલોડા સ્થિત યુકો બેંક (UCO Bank) માં થયેલા કરોડોના બેંક ફ્રોડ કેસમાં અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે બેંકના તત્કાલીન સિનિયર મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને બે ખાનગી વ્યક્તિઓને દોષિત ઠેરવી 05 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બે અલગ-અલગ કેસમાં થયેલા આ ચુકાદામાં આરોપીઓને કુલ 2.05 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે.
કેસ નં. 01: ₹6.43 કરોડની ગેરકાયદે ક્રેડિટ લિમિટ
પ્રથમ કેસમાં સીબીઆઈએ 27 એપ્રિલ, 2016 ના રોજ ગુનો નોંધ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, તત્કાલીન સિનિયર મેનેજર મેદમ ભગવતી પ્રસાદ અને આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર સોનીએ હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ખોટા દસ્તાવેજોના આધારે વિવિધ પેઢીઓને કુલ 6.43 કરોડ રૂપિયાની કેશ ક્રેડિટ લિમિટ મંજૂર કરી હતી. આ લોન ખાતાઓ પૈકી મોટાભાગના NPA થઈ જતાં બેંકને કરોડોનું નુકસાન થયું હતું.
કોર્ટે આ કેસમાં સાબરકાંઠાના પ્રોપ્રાઈટર જયેન્દ્રસિંહ મકવાણા સહિતના આરોપીઓને 05 વર્ષની જેલ અને 1.33 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કેસ નં. 02: વનરાજ એન્ટરપ્રાઈઝ સાથે સાંઠગાંઠ
બીજા કેસમાં પણ તે જ બેંક અધિકારીઓ અને ગાંધીનગરના વનરાજજી સોલંકીની સંડોવણી સામે આવી હતી.
આ કેસમાં પણ બનાવટી દસ્તાવેજો રજૂ કરીને બેંક સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હતી. અદાલતે તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને 05 વર્ષની કેદ અને 72 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.
તપાસ અને ચાર્જશીટ
સીબીઆઈએ આ બંને કેસમાં વર્ષ 2017 માં ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને ટ્રાયલ બાદ અદાલતે નોંધ્યું કે બેંકના અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેંકને આર્થિક ખાડામાં ઉતારવાનું કામ કર્યું છે. આ કડક સજા અન્ય બેંકિંગ અધિકારીઓ માટે પણ એક બોધપાઠ સમાન છે.