March 31, 2026
ગુજરાત

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : 23 એપ્રિલે યોજાશે મતદાન, 2,42,836 મતદારો નોંધાયા

06:19:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : </span>23 એપ્રિલે યોજાશે મતદાન, 2,42,836 મતદારો નોંધાયા</strong></p>

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ રઇજીભાઈ પરમારના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર આગામી 23 એપ્રિલ 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે, ચૂંટણીને મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરવા માટે વહીવટીતંત્ર સજ્જ છે.

પૂર્વ ધારાસભ્યના અવસાનથી ખાલી પડેલી બેઠક પર ચૂંટણી 

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત ઉમરેઠ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનથી ખાલી પડેલી બેઠક પર 23 એપ્રિલ 2026 ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકીય પક્ષોના બેનર અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પણ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે.

2.42 લાખથી વધુ મતદારો અને 306 મતદાન મથકો 

ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ઉમરેઠ વિધાનસભામાં કુલ 2,42,836 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,05,990 પુરુષ મતદારો અને 1,00,909 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર મતદાન પ્રક્રિયા માટે કુલ 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે, જેથી મતદાનની વિશ્વસનીયતા અને પારદર્શકતા જળવાઈ રહે.

ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નોડલ અધિકારીઓની નિમણૂંક 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આચારસંહિતાના ભંગ અને ગેરરીતિઓ રોકવા માટે વિધાનસભા મતવિસ્તારમાં 3 એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી.અને વી.વી.ટી. ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.

ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર અને તંત્રની અપીલ 

ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા આચારસંહિતા ભંગની જાણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ટોલ ફ્રી નંબર 1800 425 2560 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમરેઠ વિધાનસભાના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે નમ્ર અપીલ કરી છે.