એક દેશ, એક કાયદો : માત્ર સૂત્ર નહીં પણ અનિવાર્યતા! UCC કેમ મહત્વપૂર્ણ છે? જાણો લગ્નથી લઈ લિવ-ઇન સુધીના 12 મોટા ફેરફારો...
ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ગતરોજ મંગળવારનો દિવસ સુવર્ણ અક્ષરે અંકાયો છે. રાજ્ય વિધાનસભામાં લાંબી ચર્ચા અને વિપક્ષના વિરોધ વચ્ચે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026’ બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલને ‘વિકસિત ભારત @ 2047’ તરફનું એક મક્કમ ડગલું ગણાવતા, રાજ્યના તમામ નાગરિકો માટે સમાન અધિકાર અને ન્યાયની હિમાયત કરી છે.
UCC શું છે?
Uniform Civil Code એટલે બધા નાગરિકો માટે એકસરખા નાગરિક કાયદા — ભલે તેઓ કોઈપણ ધર્મ, જાતિ કે સમુદાયના હોય.
મુખ્યમંત્રીનું સંબોધન
બિલ પરની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબે રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત બનાવ્યું હતું, પરંતુ કેટલાક પ્રદેશો અને કાયદાકીય અસમાનતાઓને કારણે પૂર્ણ એકતા બાકી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરવા માટે UCC અનિવાર્ય છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, "એક દેશમાં બે વિધાન અને બે નિશાન ન હોઈ શકે. જેમ કલમ 370 હટાવીને કાશ્મીરને મુખ્ય ધારામાં લાવવામાં આવ્યું, તેમ UCC દ્વારા સામાજિક સમાનતાનું અમૃત જન-જન સુધી પહોંચાડવામાં આવશે."
UCC બિલ 2026ની 12 મુખ્ય જોગવાઈઓ
મુખ્યમંત્રીએ ગૃહમાં 12 મુદ્દાઓ દ્વારા સમજાવ્યું કે આ કાયદો કેમ જરૂરી છે અને તેનાથી સામાન્ય નાગરિકના જીવનમાં શું બદલાવ આવશે.
બંધારણીય અને કાયદાકીય પીઠબળ
ભારતીય બંધારણના આર્ટિકલ 44 હેઠળ રાજ્યની એ જવાબદારી છે કે તે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયત્ન કરે. આ ઉપરાંત, બંધારણની સમવર્તી યાદી (Concurrent List) મુજબ લગ્ન અને વારસા જેવા વિષયો પર રાજ્ય સરકારને કાયદો બનાવવાની સંપૂર્ણ સત્તા છે.
લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને કડક સજા
નવા કાયદા મુજબ, કોઈપણ ધર્મ કે પરંપરા મુજબ થયેલા લગ્નનું 60 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો નોંધણી નહીં કરાવો તો રૂ. 10,000 સુધીનો દંડ થઈ શકે છે. તેમજ છેતરપિંડી, ધાક-ધમકી કે બળજબરીથી લગ્ન કરનારને 7 વર્ષની જેલની જોગવાઈ છે. એક પત્ની/પતિ હયાત હોય અને બીજા લગ્ન કરનારને પણ 7 વર્ષની સજા થશે.
લિવ-ઇન રિલેશનશિપનું નિયમન
ગુજરાત સરકાર લિવ-ઇન રિલેશનશિપને કાયદાકીય દાયરામાં લાવી છે. લિવ-ઇનમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો નોંધણી નહીં કરાવો તો 3 મહિનાની કેદ અથવા રૂ. 10,000 દંડ થશે. જો યુગલની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હશે, તો તેની જાણ ફરજિયાતપણે તેમના માતા-પિતાને કરવામાં આવશે.
છૂટાછેડા માટે સમાન નિયમો
હવે કોર્ટ બહાર થતા તમામ પ્રકારના છૂટાછેડા અમાન્ય ગણાશે. છૂટાછેડા માટે તમામ સમુદાયોએ એકસરખી ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કોર્ટ બહાર છૂટાછેડા આપનારને 3 વર્ષની સજા થઈ શકે છે. આ જોગવાઈથી મહિલાઓનું શોષણ અટકશે.
વારસામાં દીકરા-દીકરીને સમાન હક
વારસાગત મિલકતમાં અત્યાર સુધી પ્રવર્તતી અસમાનતા દૂર કરવામાં આવી છે. હવે દીકરી હોય કે દીકરો, પિતાની મિલકતમાં બંનેનો સમાન અધિકાર રહેશે. આ પગલાથી સ્ત્રીઓની આર્થિક સુરક્ષા મજબૂત બનશે.
ભરણપોષણ (Maintenance)માં સમાનતા
તમામ ધર્મની મહિલાઓને છૂટાછેડા કે ત્યાગની સ્થિતિમાં સમાન ભરણપોષણનો હક મળશે. લિવ-ઇન રિલેશનશિપમાં પણ જો પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, તો સ્ત્રી ભરણપોષણ મેળવવા હકદાર રહેશે.
બાળકોના અધિકારોનું રક્ષણ
લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને ‘અનૌરસ’ ગણવામાં નહીં આવે. તેમને પણ કાયદેસરની માન્યતા, પિતાનું નામ અને વારસામાં સમાન હક મળશે.
ધાર્મિક વિધિઓમાં કોઈ દખલ નહીં
મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ કાયદો માત્ર કાનૂની પાસાઓ (લગ્ન નોંધણી, વારસો વગેરે) ને નિયંત્રિત કરે છે. કોઈ પણ ધર્મની પરંપરાગત વિધિઓ, રિવાજો કે પૂજા પદ્ધતિમાં આ કાયદો કોઈ હસ્તક્ષેપ કરશે નહીં.
જનતાનો અભિપ્રાય અને લોકશાહી અભિગમ
આ બિલ તૈયાર કરતા પહેલા નિવૃત્ત જસ્ટિસ રંજનાબેન દેસાઈના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ વ્યાપક જનપરામર્શ કર્યો હતો. વેબ પોર્ટલ અને રૂબરૂ મુલાકાતો દ્વારા લાખો નાગરિકો અને સંગઠનોના સૂચનો લેવામાં આવ્યા હતા.
ન્યાયિક માર્ગદર્શન
સુપ્રીમ કોર્ટે પણ અનેક ચુકાદાઓમાં (જેમ કે શાહબાનો કેસ) સમાન સિવિલ કોડની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગુજરાત સરકારનું આ બિલ ન્યાયતંત્રની તે અપેક્ષાઓને પૂર્ણ કરે છે.
છેતરપિંડી અને ગુનાખોરી પર લગામ
ફરજિયાત નોંધણીને કારણે વ્યક્તિની સાચી વૈવાહિક સ્થિતિ જાણી શકાશે. આનાથી ખોટી ઓળખ આપીને લગ્ન કરવાના કિસ્સાઓ અથવા લગ્નના નામે થતી છેતરપિંડી અટકશે.
સામાજિક સમરસતા અને સ્ત્રી સશક્તિકરણ
આ બિલનો મૂળ ઉદ્દેશ્ય લિંગ સમાનતા (Gender Equality) સ્થાપિત કરવાનો છે. મહિલાઓને પુનઃલગ્નનો કોઈ પણ શરત વિનાનો અધિકાર આપીને તેમને સામાજિક બંધનોમાંથી મુક્ત કરવામાં આવી છે.
UCC કેમ જરૂરી છે?
1. સમાન અધિકાર
2. મહિલાઓને ન્યાય
3. લગ્ન માટે એક જ કાયદો
4. લિવ-ઇન રિલેશનશિપની સ્પષ્ટતા
5. વારસાની સમાનતા
6. બહુવિવાહ પર નિયંત્રણ
7. કાનૂની ગૂંચવણ ઘટાડે
8. બંધારણીય સિદ્ધાંતોનું પાલન
9. કોર્ટમાં કેસો સરળ બનશે
10. રાષ્ટ્રીય એકતા
11. ભેદભાવમાં ઘટાડો
12. આધુનિક સમાજ માટે યોગ્ય
ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ 2026 એ માત્ર એક કાયદો નથી, પણ સામાજિક ન્યાયનું નવું માળખું છે. જે રીતે ઉત્તરાખંડે આ દિશામાં પહેલ કરી હતી, તે જ રીતે હવે ગુજરાત પણ સમાનતાના માર્ગે અગ્રેસર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતે, આ બિલ આવનારી પેઢીઓ માટે એક ભયમુક્ત, ન્યાયી અને સમાન સમાજનું નિર્માણ કરશે.