April 3, 2026
ગુજરાત

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ....ભાવનગર, પાટણ અને બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p>રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ....<strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાવનગર, પાટણ અને બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી</span></strong></p>

ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ભાવનગર, પાટણ અને બનાસકાંઠા પંથકમાં વહેલી સવારથી જ આભ વાદળછાયું બન્યું હતું અને ત્યારબાદ તોફાની પવન સાથે વરસાદની ધબધબાટી શરૂ થઈ હતી. આ અચાનક આવેલા કુદરતી ફેરફારને કારણે ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મેઘરાજાએ ટૂંકા ગાળામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

વેરાવળ શહેરમાં માત્ર 20 મિનિટના ગાળામાં જ 1 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવાઝોડા જેવા પવનને કારણે દ્રશ્યતા ઘટી ગઈ હતી અને વાહનચાલકોને રસ્તા પર થંભી જવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું અને વેપારીઓને પણ પોતાનો સામાન બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે બાગાયતી ખેતીને મોટો ફટકો પડ્યો છે. આંબા પર તૈયાર થઈ રહેલી કેસર અને અન્ય જાતની કેરીઓ ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં ખરી પડી છે.

કુદરતી આફતે હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. કેરીઓ જમીનદોસ્ત થતા બાગાયતદારોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડોમાં પણ વરસાદને કારણે દોડધામ મચી ગઈ હતી. માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવેલો જીરું, રાયડો અને એરંડાનો લાખો મણ પાક ખુલ્લામાં પડ્યો હોવાથી તેને પલળતો બચાવવા ખેડૂતો અને શ્રમિકોએ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ માવઠાની અસર માત્ર ખેતી પર જ નહીં, પણ રવિ પાકની કાપણી પર પણ પડી છે.

ખેતરોમાં કાપણી કરીને મુકેલા ઘઉં અને ચણાનો પાક વરસાદમાં ભીંજાઈ જતા તેની ગુણવત્તા બગડવાનો ભય છે. ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે, જે વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક સર્વે કરીને સહાય જાહેર કરવામાં આવે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું આખું વર્ષનું ગણિત બગડી ગયું છે અને દેવાના ડુંગર તળે દબાયેલા ધરતીપુત્રો વધુ લાચાર બન્યા છે. માર્કેટયાર્ડોમાં પણ વરસાદી પાણીનો નિકાલ થાય અને ખેડૂતોના પાકને વધુ નુકસાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવા જણાવાયું છે. આગામી બે દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને પારો ગગડતા ગરમીમાં રાહત મળશે, પરંતુ આ રાહત ખેડૂતો માટે આફત બનીને આવી છે તે હકીકત છે.