UPSRTC ભરતીમાં મહિલાઓ માટે સુવર્ણ તક : પરીક્ષા વગર 2584 જગ્યાઓ પર સીધી ભરતી, જાણો કેવી રીતે બનશો બસ કંડક્ટર...
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી ડગલું ભરતા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC)માં મહિલા કંડક્ટરોની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની જે મહિલાઓ લાંબા સમયથી સરકારી ક્ષેત્રે રોજગારની તક શોધી રહી હતી, તેમના માટે આ એક ઉત્તમ તક છે કારણ કે પરિવહન નિગમ કુલ 2,584 ખાલી જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. આ ભરતી પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે મહિલા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ મહિલાઓને સ્વનિર્ભર બનાવી તેમને આર્થિક રીતે મજબૂત કરવાનો છે, જેથી હવે રસ્તાઓ પર દોડતી સરકારી બસોમાં મહિલાઓ કંડક્ટર તરીકેની જવાબદારી સંભાળતી જોવા મળશે.
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, અરજી કરનાર મહિલા ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ હોવી જોઈએ. આ સાથે જ તેની પાસે કોમ્પ્યુટર કૌશલ્યનું પ્રમાણપત્ર એટલે કે CCC સર્ટિફિકેટ હોવું પણ અનિવાર્ય છે. શરત મુજબ, આ ભરતીનો લાભ એ જ મહિલાઓને મળશે જેઓ ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અથવા કૌશલ્ય વિકાસ મિશન સાથે જોડાયેલી હોય. પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત રાખવામાં આવી છે, જેમાં ઉમેદવારોના ધોરણ 12ના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયામાં જે મહિલાઓ પાસે NCC 'B' સર્ટિફિકેટ, NSS અથવા સ્કાઉટ એન્ડ ગાઈડમાં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરનું સન્માન હશે, તેમને મેરિટમાં 5 ટકા વધારાનું વેઈટેજ આપીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.
પગાર અને અન્ય સુવિધાઓ પણ મહિલા ઉમેદવારો માટે આકર્ષક રાખવામાં આવી છે. પસંદ થયેલ મહિલા કંડક્ટરોને પ્રતિ કિલોમીટર 2.16 રૂપિયા લેખે વેતન ચૂકવવામાં આવશે, જે કામગીરીના આધારે વધતું રહેશે. આ ઉપરાંત,
જો કોઈ મહિલા કંડક્ટર 22 દિવસની ફરજ દરમિયાન 5,000 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરે છે, તો તેને પ્રોત્સાહન રૂપે 3000 રૂપિયાનું વધારાનું ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્યના વિવિધ શહેરોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 25 માર્ચથી શરૂ થતા આ મેળામાં સહરાનપુર, ઝાંસી, કાનપુર, પ્રયાગરાજ જેવા શહેરોમાં પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ 28 માર્ચ, 30 માર્ચ અને 1 એપ્રિલના રોજ ગાઝિયાબાદ, અયોધ્યા, મેરઠ, લખનૌ અને ગોરખપુર સહિતના અન્ય જિલ્લાઓમાં રોજગાર મેળા યોજાશે, જ્યાં લાયક મહિલા ઉમેદવારો સીધી જ અરજી કરી શકશે.