પદ કરતા પરિવાર વ્હાલો: વડોદરાના મહિલા ઉમેદવારે કેમ ઠુકરાવી કોંગ્રેસની ટિકિટ? કારણ જાણીને તમે પણ કરશો સલામ
વડોદરા રાજકારણમાં જ્યારે સત્તા અને પદ માટે ખેંચતાણ થતી હોય છે, ત્યારે વડોદરામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સામાજિક મર્યાદા અને પારિવારિક પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ઉર્મિલાબેન પરમારે પોતાની ટિકિટ પક્ષને પરત સોંપી દીધી છે. આ નિર્ણય પાછળ રાજકીય નહીં પરંતુ ગહન સામાજિક અને પારિવારિક કારણો જવાબદાર છે. ઘટનાની વિગત એવી છે કે, કોંગ્રેસ દ્વારા ઉર્મિલાબેનના નામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ તેમના સસરા પ્રહલાદભાઈ પરમારનું નિધન થયું હતું.
પરિવારમાં આવેલા આ અણધાર્યા શોક અને સામાજિક પરંપરાને માન આપીને ઉર્મિલાબેને ચૂંટણીના મેદાનમાંથી ખસી જવાનો મક્કમ નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં પરિવારની સાથે રહેવું અને રિવાજ પાળવા તે તેમની પ્રાથમિકતા છે. ઉર્મિલાબેનના પરિવારે જણાવ્યું હતું કે, તેમના સમાજની પરંપરા મુજબ પરિવારના વડીલના નિધન બાદ ઘરની મહિલાઓએ એક મહિના સુધી શોક પાળવાનો હોય છે અને ઘરની બહાર નીકળવા પર મર્યાદા હોય છે. ચૂંટણી જીતવા માટે પ્રચારમાં જવું અનિવાર્ય છે, જે આ સામાજિક મર્યાદાનો ભંગ સમાન ગણાય.
આથી, પરિવારે સામૂહિક રીતે નક્કી કર્યું કે પદ કે સત્તા માટે વર્ષો જૂના રિવાજોને તોડી શકાય નહીં. પરિવારના સભ્યોએ આ અંગે વધુમાં ઉમેર્યું કે, "ચૂંટણી તો પાંચ વર્ષ પછી ફરીથી આવશે, પરંતુ વડીલના નિધન સમયે રિવાજ સાચવવા અત્યંત જરૂરી છે." ઉર્મિલાબેનના પતિ અને દિયરે પણ આ નિર્ણયને ટેકો આપતા જણાવ્યું કે, પિતાજીની ઈચ્છા હતી કે પરિવારમાંથી કોઈ ચૂંટણી લડે, પરંતુ હવે તેમના અવસાન બાદ સામાજિક મર્યાદા પાળવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. રાજકારણમાં પદ માટે ગમે તે હદ સુધી જનારા લોકો માટે ઉર્મિલાબેન પરમારે એક નવી લકીર ખેંચી છે કે 'સત્તા કરતા સંસ્કાર હંમેશા મોટા હોય છે.'