આકાશમાં ભભૂકી આગ: ઈરાની મિસાઈલે અમેરિકી એફ-35 ને ફૂંકી માર્યું? જાણો શું છે સમગ્ર હકીકત
વિશ્વમાં જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, ત્યારે ઈરાની મીડિયાના અહેવાલોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે તેમણે સેન્ટ્રલ ઈરાનના આકાશમાં અમેરિકાના અત્યાધુનિક પાંચમી પેઢીના F-35 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઈરાની સૈન્યના જણાવ્યા અનુસાર, આ હુમલો તેમની એરોસ્પેસ ફોર્સની નવી અને અપગ્રેડ કરેલી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યો છે, જે અમેરિકી 'સ્ટીલ્થ' ટેકનોલોજીને માત આપવા સક્ષમ છે.
જેટ તોડી પાડતી વખતે થયેલા ભયાનક વિસ્ફોટને જોતા પાઈલોટ બચ્યો હોવાની શક્યતા ખૂબ ઓછી સેવાઈ રહી છે અને હાલ તેનો કોઈ પત્તો મળ્યો નથી. આ વિમાન અમેરિકાના પ્રખ્યાત લેકનહેથ સ્ક્વોડ્રનનું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની સરહદમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી ચલાવી લેવામાં આવશે નહીં. નોંધનીય છે કે, અમેરિકન F-35 લાઈટનિંગ-2 એ વિશ્વનું સૌથી શક્તિશાળી અને આધુનિક 'સ્ટીલ્થ' એરક્રાફ્ટ માનવામાં આવે છે, જે રડારની નજરમાં આવ્યા વિના હુમલો કરી શકે છે. જો ઈરાનનો આ દાવો સત્ય સાબિત થાય, તો તે અમેરિકાની સૈન્ય ક્ષમતા અને ટેકનોલોજી માટે બહુ મોટો આંચકો ગણાશે.
અગાઉ 19 માર્ચના રોજ પણ ઈરાને આવા જ એક વિમાનને નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચેની દુશ્મની વધુ ઘેરી બની છે. બીજી તરફ, અમેરિકન સંરક્ષણ અધિકારીઓએ આ ઘટના પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. અમેરિકી હવાલાથી મળતા એક અહેવાલ મુજબ, ઈરાની મિસાઈલ હુમલા છતાં F-35 વિમાન સંપૂર્ણ નષ્ટ થયું નથી, પરંતુ તેણે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને તેમાં પાઈલોટ સુરક્ષિત છે. હાલ પેન્ટાગોન દ્વારા આ સમગ્ર ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. અમેરિકા આ મામલે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું હોવાની અટકળો પણ તેજ બની છે.
IRGC ના દાવા મુજબ, ઈરાની એર ડિફેન્સ નેટવર્કમાં કરવામાં આવેલા મહત્વના અપગ્રેડેશનને કારણે તેઓ અમેરિકી અત્યાધુનિક વિમાનોને ટ્રેક કરવામાં સફળ રહ્યા છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તેમણે ૧૨૫ થી વધુ અમેરિકન અને ઈઝરાયલના ડ્રોનને તોડી પાડ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે મધ્ય-પૂર્વમાં હવાઈ સંઘર્ષ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે, જ્યાં ડ્રોન અને ફાઈટર જેટ્સ સતત નિશાન બની રહ્યા છે. આ સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીએ એક 'ફોર્મુલા' રજૂ કરતા જણાવ્યું છે કે, હવે બંને દેશોએ પોતપોતાની રીતે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવવો જોઈએ.
જોકે, મેદાન પરની સ્થિતિ કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. F-35 જેવી અબજો ડોલરની સૈન્ય સંપત્તિનું નુકસાન અમેરિકા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની શકે છે, જે આવનારા દિવસોમાં સીધા સૈન્ય મુકાબલામાં પરિણમી શકે છે. સમગ્ર વિશ્વની નજર હવે વોશિંગ્ટનની સત્તાવાર પ્રતિક્રિયા પર છે. જો અમેરિકા આ હુમલાની પુષ્ટિ કરે છે, તો મધ્ય-પૂર્વમાં તેલના પુરવઠાથી લઈને વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા સુધી બધું જ જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનનો આ દાવો અને પાઈલોટની ગુમશુદગી અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી ચર્ચાનો વિષય બની છે. આગામી કલાકોમાં આ મામલે મોટા લશ્કરી હલચલ જોવા મળી શકે છે.