'અમે તેને મેળવી લીધો છે': ઈરાનમાં તોડી પડાયેલા યુએસ ફાઈટર જેટના બીજા ક્રૂ મેમ્બરને અમેરિકાએ સફળતાપૂર્વક બચાવ્યો
ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલા અમેરિકન ફાઈટર જેટના બીજા ક્રૂ મેમ્બરને બચાવવામાં અમેરિકાને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 5 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે યુએસ સૈન્યએ ઈરાનની અંદર અત્યંત જોખમી અને ઊંડા લશ્કરી ઓપરેશન પાર પાડીને પોતાના ગુમ થયેલા અધિકારી (કર્નલ) ને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. કોઈ જાનહાનિ વિના પાર પડેલા આ સફળ ઓપરેશનથી અમેરિકાએ ઈરાનના હવાઈ ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું હોવાનો દાવો કરાયો છે.
ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની જાહેરાત અને હર્ષની લાગણી
શુક્રવારે ઈરાન દ્વારા અમેરિકાના F-15E સ્ટ્રાઈક ઈગલ જેટને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને પાયલોટ જેટમાંથી બહાર નીકળી ગયા હતા. એક પાયલોટને તરત બચાવી લેવાયો હતો, જ્યારે બીજાની શોધ ચાલુ હતી. રવિવારે મધ્યરાત્રિ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા ખુશી વ્યક્ત કરી કે, "અમે તેને મેળવી લીધો છે! તમને જણાવતા મને રોમાંચ થાય છે કે તે હવે સુરક્ષિત અને કુશળ છે." ટ્રમ્પે આ અધિકારીને 'ખૂબ જ આદરણીય કર્નલ' તરીકે ઓળખાવ્યા હતા. શસ્ત્ર પ્રણાલી અધિકારી તરીકે ફરજ બજાવતા આ કર્નલને ઈજાઓ પહોંચી છે, પરંતુ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે તેવો વિશ્વાસ ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો.
ઈરાનના ખતરનાક પહાડોમાં સૈન્યનું ઘાતક બચાવ ઓપરેશન
આ .બચાવ કામગીરી અંગે માહિતી આપતા ટ્રમ્પે જણાવ્યું કે, યુએસ સૈન્યએ ઈરાનના ખતરનાક પહાડોમાં દુશ્મનની હદની પાછળથી પોતાના અધિકારીને પાછા લાવવા વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રોથી સજ્જ ડઝનેક વિમાનો મોકલ્યા હતા. પ્રાપ્ત અહેવાલો મુજબ, બચાવ કામગીરી દરમિયાન જ્યારે ઈરાની દળો કર્નલ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે અમેરિકન વિમાનોએ તેમના પર બોમ્બમારો કર્યો હતો અને બંને પક્ષે ગોળીબાર પણ થયો હતો. આ કામગીરીમાં વપરાયેલું એક અમેરિકન બચાવ હેલિકોપ્ટર ઈરાની ગોળીબારથી ક્ષતિગ્રસ્ત થયું હતું, છતાં તે સુરક્ષિત રીતે ઉડાન ભરી પરત ફરવામાં સફળ રહ્યું હતું.
કર્નલ પર ઈરાનનું ઈનામ અને અમેરિકાની 48 કલાકની ચેતવણી
ગુમ થયેલા કર્નલને પકડવા માટે ઈરાને ઈનામની જાહેરાત કરી હતી. જો તેઓ પકડાઈ ગયા હોત તો તેહરાન માટે તે સોદાબાજીનો મોટો મુદ્દો બની શકત. શુક્રવારે કર્નલની શોધ ચાલુ હતી ત્યારે જ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ હોર્મુઝની સામુદ્રધુની નહીં ખોલે તો 48 કલાકમાં તેમના પર કાળો કેર વર્તાવવામાં આવશે. અન્ય એક ઘટનામાં, ઈરાની ગોળીબારનો ભોગ બનેલું અમેરિકન A-10 વોર્થોગ વિમાન પણ ખાડી પાસે ક્રેશ થયું હતું, પરંતુ પાયલોટ ઈરાની પ્રદેશની બહાર ઉતરાણ કરવામાં સફળ રહેતા તેને બચાવી લેવાયો હતો..