વડોદરાના અકોટામાં જાણે સ્કોર્પિયો કાર બની 'ફ્લાઈંગ કાર', ડિવાઈડર કૂદી સીધી ઘરમાં ઘૂસી...

વડોદરા શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અકોટાની અક્ષરધામ સોસાયટી પાસે વહેલી સવારના સમયે, જ્યારે શહેરના નાગરિકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ ડિવાઈડર કૂદીને રસ્તાની બાજુમાં આવેલા એક મકાનની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારની ટક્કરથી મકાનના દરવાજા અને દીવાલને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે તે સમયે ઘરના આંગણામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, અન્યથા આ અકસ્માત અનેક લોકોનો ભોગ લઈ શક્યો હોત.
ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને દ્રશ્યો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. કારમાં સવાર નબીરાઓની હાલત જોતા તેઓ નશામાં હોવાની પ્રબળ આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી, જેના પગલે જે.પી. રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવી કાર ચાલકની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં એવી આશંકા છે કે ચાલક દારૂના નશામાં હોવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે, જેના પગલે ચાલકનું બ્લડ સેમ્પલ લઈને તેને એફએસએલ (FSL)માં તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જોઈને ભલભલાના કાળજા કંપાઈ જાય તેવા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કાર હવામાં ફંગોળાઈને કેવી રીતે સીધી મકાન સાથે અથડાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વડોદરાના નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે.પી. રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અને નશાખોરીના વધતા દૂષણ સામે લાલબત્તી ધરી છે.