April 1, 2026
ક્રાઈમ

વડોદરામાં 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p>વડોદરામાં 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ</strong></span></p>

વડોદરાની વિશેષ પોક્સો ફાસ્ટ ટ્રેક અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપતા 16 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં વરણામા પોલીસની સચોટ તપાસ અને અદાલતમાં રજૂ થયેલા મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આરોપી સુનિલ ઉર્ફે અનિલ કાલિદાસ રાઠોડિયાને દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2024માં સગીરા પોતાના ઘરેથી બજારમાં જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીરા આરોપી સુનિલ રાઠોડિયા (રહે. નવી નગરી, પોર ગામ) ના સંપર્કમાં હતી અને તે તેને લાલચ આપી ભગાડી ગયો હતો, જે અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ અત્યાચારને કારણે 16 વર્ષની માસૂમ સગીરા ગર્ભવતી બની હતી. આરોપીએ સગીરાનો લાભ ઉઠાવી તેની જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા સગીરા અને આરોપીના મેડિકલ પરીક્ષણના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો DNA રિપોર્ટ સાબિત થયો હતો, જેમાં સ્પષ્ટ થયું હતું કે સગીરાના ગર્ભમાં રહેલા ભ્રૂણનો જૈવિક પિતા આરોપી સુનિલ જ છે.

આ રિપોર્ટે આરોપીના તમામ બચાવના રસ્તા બંધ કરી દીધા હતા. આ ચુકાદાથી વડોદરા પોલીસની કામગીરી અને ન્યાયતંત્ર પરનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. 16 વર્ષની સગીરાને ન્યાય મળવાની સાથે જ સમાજમાં એવો સંદેશ પહોંચ્યો છે કે પોક્સો કાયદા હેઠળ આચરવામાં આવતા ગુનાઓ અત્યંત ગંભીર છે અને આવા કિસ્સાઓમાં કાયદો નરાધમોને ક્યારેય માફ કરતો નથી.