પેટ્રોલ પંપો પર પોલીસ પહેરો: ભીડને નિયંત્રિત કરવા વડોદરા પોલીસ એક્શનમાં, "અફવાઓથી ન ગભરાવા" કરાયું એલાન
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાયેલી અફવાઓએ જોર પકડ્યું છે. આ પાયા વિહોણી અફવાઓના કારણે શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે વડોદરા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. સવારથી જ શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોનો જંગી ધસારો જોવા મળ્યો હતો. ભીડને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
પોલીસ જવાનો દ્વારા ટ્રાફિક નિયમન અને ભીડ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિ વધુ ન વકરે તે માટે પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ પંપો પર પોલીસ દ્વારા સતત જાહેરાત કરવામાં આવી રહી છે કે, "શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ ખોટી અફવાઓથી ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. મહેરબાની કરીને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ પુરાવો અને અફવાઓ ફેલાવશો નહીં. અચાનક પેટ્રોલ પંપો પર વાહનોનો ઘસારો વધતા શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે,લોકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો અત્યારે ઈંધણ નહીં ભરાવીએ તો આગામી દિવસોમાં વાહન વ્યવહાર ઠપ થઈ જશે.
જોકે, વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ચાલુ છે અને ઈંધણની કોઈ અછત વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર આવતા મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ ન કરવા. અફવા ફેલાવીને ગભરાટ ફેલાવનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં શહેરની સ્થિતિ પોલીસના અંકુશ હેઠળ છે અને નાગરિકોને સહકાર આપવા વિનંતી કરાઈ છે.