ઉદ્યોગકારોની આખરે ધીરજ ખૂટી! વડોદરામાં ગેસ સિલિન્ડર ન મળતા 70 ઉદ્યોગો બંધ, કલેક્ટર કચેરીએ કરી ઉગ્ર રજૂઆત
રો મટીરિયલ છે, મશીનો તૈયાર છે અને શ્રમિકો પણ હાજર છે, પરંતુ માત્ર 'ગેસ'ના અભાવે વડોદરાના 70 જેટલા કારખાનાઓના ચક્ર થંભી ગયા છે. આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની ભારે અછતને કારણે ઉદ્યોગપતિઓ આર્થિક સંકટમાં મુકાયા છે. હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગો પર ત્રાટકેલી આ 'ગેસ કટોકટી'ને લઈને આજે સરદાર એસ્ટેટ ઉદ્યોગ મંડળે જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી. કે જો વહેલી તકે પુરવઠો નહીં મળે તો ઉદ્યોગોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છેલ્લા દસ દિવસથી ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા નાના-મોટા ઉદ્યોગોની હાલત કફોડી બની છે.
ગેસના અભાવે પ્રોડક્શન અટકી પડતા અંદાજે 60 થી 70 જેટલા એકમોમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. આ ગંભીર સમસ્યાને પગલે આજે સરદાર એસ્ટેટ ઉદ્યોગ મંડળના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માંગ કરી હતી. વર્તમાન આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની ભારે તંગી સર્જાઈ છે. અગાઉ આ અછતની અસર હોટલો, રેસ્ટોરન્ટ્સ અને લારી-ગલ્લાઓ પર જોવા મળી હતી, પરંતુ હવે તેની સીધી અસર ઉત્પાદન ક્ષેત્ર પર પડી રહી છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ મર્યાદિત થતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી ગેસ સિલિન્ડર નહીં મળવાને કારણે કારખાનાઓ બંધ રાખવાની નોબત આવી છે. ઉદ્યોગો ઠપ ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઉદ્યોગોને પ્રાથમિકતાના ધોરણે ગેસ સિલિન્ડર પૂરા પાડવા વિનંતી કરી હતી.