જસપ્રીત બુમરાહના પહેલા જ બોલે સિક્સર ફટકારી વૈભવે બદલી નાખ્યો IPLનો નકશો
ક્રિકેટના મેદાન પર જ્યારે અનુભવ અને યુવાની ટકરાય છે, ત્યારે ઘણીવાર નવા ઇતિહાસ લખાતા હોય છે. ગઇકાલે રાત્રે ગુવાહાટીના મેદાન પર પણ કંઈક આવું જ જોવા મળ્યું, જ્યારે દુનિયાના સૌથી ખતરનાક બોલર ગણાતા જસપ્રીત બુમરાહનો સામનો માત્ર 15 વર્ષના કિશોર વૈભવ સૂર્યવંશી સાથે થયો. જે બુમરાહના યોર્કરથી મોટા-મોટા બેટ્સમેનોના સ્ટમ્પ ઉખડી જાય છે, તે બુમરાહને વૈભવે પહેલા જ બોલે છગ્ગો ફટકારીને સ્તબ્ધ કરી દીધો હતો. રાજસ્થાન રોયલ્સના આ યુવા સનસનાટીએ બુમરાહ સામે એક-બે નહીં પણ પાંચ-પાંચ છગ્ગા ફટકારીને સાબિત કરી દીધું કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય અત્યંત સુરક્ષિત અને આક્રમક હાથોમાં છે.
આઈપીએલ 2026ની આ એવી ઈનિંગ હતી જેણે માત્ર સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને જ નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતને વિચારતું કરી દીધું છે. પરંતુ ગઇકાલે રાત્રે ગુવાહાટીના મેદાન પર જે જોવા મળ્યું તે અભૂતપૂર્વ હતું. રાજસ્થાન રોયલ્સના માત્ર 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર ગણાતા જસપ્રીત બુમરાહની શિસ્તબદ્ધ બોલિંગના ધજાગરા ઉડાવી દીધા હતા. વૈભવે બુમરાહ સામે આક્રમક રમત બતાવી 5 છગ્ગા ફટકારીને આખી ટુર્નામેન્ટમાં સનસનાટી મચાવી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જ્યારે વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ સામસામે આવ્યા, ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ કિશોર વયનો ખેલાડી ‘યોર્કર કિંગ’ ને હંફાવશે.
વૈભવે બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. આ જોતા ખુદ બુમરાહ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. વૈભવે માત્ર 14 બોલમાં 39 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેમાં 5 આકાશી છગ્ગાનો સમાવેશ થાય છે. તેની સ્ટ્રાઈક રેટ 278.57 રહી હતી. વરસાદને કારણે 11 ઓવરની કરાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સના ઓપનરોએ તોફાની શરૂઆત કરી હતી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ (32 બોલમાં અણનમ 77 રન) વચ્ચે માત્ર 30 બોલમાં 80 રનની ભાગીદારી થઈ હતી.
જેની સામે હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ 9 વિકેટે માત્ર 123 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગઈ છે.વૈભવ સૂર્યવંશીએ ચાલુ સીઝનની ત્રણ મેચમાં અત્યાર સુધી 122 રન બનાવ્યા છે. તેણે CSK સામે 17 બોલમાં 55 રન ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. રમત જગતના નિષ્ણાતોનું માનવું છે કે જે ખેલાડી જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલર સામે આટલા આત્મવિશ્વાસથી રમી શકતો હોય, તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય બદલવાની તાકાત ધરાવે છે.