વલસાડના ખેડૂતનો કમાલ: એક જ આંબા પર ઝૂલે છે દેશ-વિદેશની 22 જાતની કેરીઓ!
વલસાડના ખેડૂત શૈલેષભાઈ પટેલના બગીચામાં આજે એક એવો આંબો જોવા મળી રહ્યો છે જે 'મેંગો મ્યુઝિયમ'થી ઓછો નથી. અમેરિકાની 'ટોમી અટકીન્સ' હોય કે થાઈલેન્ડની 'રેડ આઈવરી' બધી જ કેરીઓ એક જ આંબા પર ઝૂલી રહી છે. ગ્રાફ્ટિંગ પદ્ધતિના કુશળ ઉપયોગથી તૈયાર થયેલા આ 22 જાતના ફળ આપતા આંબાની ચર્ચા આજે સમગ્ર પંથકમાં થઈ રહી છે, માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા પાંચ વર્ષના આંબા પર ગ્રાફ્ટિંગ પદ્ધતિ દ્વારા વિવિધ જાતની કેરીઓ ઉગાડવામાં સફળતા મળી છે. આ અનોખા પ્રયોગ પાછળની વાર્તા ઉત્તર પ્રદેશથી શરૂ થઈ હતી, ખેડૂત શૈલેષભાઈ જ્યારે ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા, ત્યારે ત્યાંની એક નર્સરીમાં એક જ આંબા પર અનેક જાતો જોઈને તેઓ પ્રભાવિત થયા હતા.
તેમણે તે જ સમયે સંકલ્પ કર્યો હતો કે તેઓ પોતાના વતન વલસાડમાં પણ આવો પ્રયોગ કરશે. આ સંકલ્પ આજે વલસાડના બાગાયત ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી રહ્યો છે. આ પ્રયોગ માટે શૈલેષભાઈએ ‘ડાહ્યા કાકા’ જાતના આંબાની પસંદગી કરી હતી. તેમણે 10 મહિના પહેલા આ આંબા પર કુલ 80 જેટલી વિવિધ મેંગો વેરાયટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું. આ પદ્ધતિમાં અલગ-અલગ આંબાની ડાળીઓને મુખ્ય થડ સાથે કુશળતાપૂર્વક જોડવામાં આવી હતી, જેથી એક જ મૂળમાંથી વિવિધ સ્વાદ અને આકારની કેરીઓ પ્રાપ્ત થઈ શકે.
આ સફર પડકારોથી ભરેલી હતી, ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ગ્રાફ્ટિંગ કરેલી 8 જેટલી ડાળીઓ તૂટી ગઈ હતી. તેમ છતાં, શૈલેષભાઈના અડગ મનોબળને કારણે 70 જેટલી વેરાયટી સફળ રહી, જેમાંથી હાલ 22 જેટલી વેરાયટી સંપૂર્ણપણે સુરક્ષિત અને ફળદાયી બની છે. આ ‘મેજિક આંબા’ પર માત્ર ભારતની જ નહીં, પરંતુ થાઈલેન્ડ અને અમેરિકા જેવા દેશોની મોંઘીદાટ કેરીઓ પણ લટકી રહી છે.
જેમાં વિદેશી જાતો જેવી કે બિગ પ્રિન્ટ ક્લીટ, સુર્યા ગમાઈ, થાય બનાના, નામ ડોક માઈ, રેડ આઈવરી અને અમેરિકાની પ્રખ્યાત ટોમી અટકીન્સનો સમાવેશ થાય છે. ભારતીય જાતોમાં અમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ બારમાસી, તોતાપુરી, ગુલાબખાસ, અને રંગીન કેસર જેવી જાતો આ એક જ વૃક્ષ પર જોવા મળે છે.તેમનું આગામી લક્ષ્ય એક જ વૃક્ષ પર જેટલી વિવિધ જાતની કેરીઓ ઉગાડવાનું છે, આ સફળ પ્રયોગ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે.