વલસાડ કપરાડાના કુંભઘાટ પાસે કન્ટેનર અકસ્માતે 1નું મોત, પૂરપાટ ઝડપે દોડતા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા કુંભઘાટ પાસે આજે એક વિચિત્ર અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. વાપી-નાસિક સ્ટેટ હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક કન્ટેનરે ચાર વાહનોને અડફેટે લેતા એક કન્ટેનર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને પગલે હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.
પૂરપાટ ઝડપે દોડતા કન્ટેનરે કાબૂ ગુમાવ્યો
પોલીસ સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની 42 વર્ષીય બ્રિજેશકુમાર શ્યામસીંગ પોતાનું કન્ટેનર (નંબર GJ-18-BT-4177) લઈને નાનાપોંઢાથી કપરાડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માંડવા કુંભઘાટ પાસે આવેલા યાદવ ઢાબા નજીક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલું આ કન્ટેનર માર્ગ પર પસાર થતા અન્ય વાહનો માટે કાળ બનીને ત્રાટક્યું હતું.
ચાર વાહનોને અડફેટે લેતા મચી ચીસિયારીઓ
અકસ્માતની આ હારમાળામાં કન્ટેનરે સૌ પ્રથમ માર્ગ પર પસાર થતી એક પીકઅપ વાન (નંબર MH-14-MT-9551) ને પ્રચંડ ટક્કર મારી પલટી ખવડાવી દીધી હતી. હજુ આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જ આ કાળમુખા વાહને બીજી પીકઅપ (નંબર MH-14-MH-7846) ને અડફેટે લીધી હતી, જેના કારણે તેમાં ભરેલો માલ-સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. વિનાશની આ વણઝાર અહીં જ ન અટકતા, ચાલકે એક આઈસર ટેમ્પો (નંબર GJ-23-AW-8562) ને પણ પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
આમને-સામને ટક્કર અને ઘટનાસ્થળે મોત
અકસ્માતની આ શ્રેણીના અંતે બ્રિજેશકુમારનું કન્ટેનર સામેથી આવી રહેલા અન્ય એક કન્ટેનર (નંબર GJ-27-TD-7435) સાથે સીધું ધડાકાભેર અથડાયું હતું. આ આખરી ટક્કર એટલી પ્રચંડ હતી કે સામેથી આવતા કન્ટેનરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જનાર ચાલક બ્રિજેશકુમાર પણ લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
હાઈવે પર કિલોમીટરો સુધી ટ્રાફિક જામ
આ ભયાનક દુર્ઘટનાને પગલે વાપી-નાસિક હાઈવે પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. અકસ્માતને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને રસ્તા પર વાહનોનો ખડકલો થતા કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા કપરાડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.