વંદે ભારતના ભોજનમાં કીડા નીકળતા રેલવે એક્શનમાં...કેટરિંગ કંપનીને ₹50 લાખનો દંડ, IRCTC પર પણ ₹10 લાખની પેનલ્ટી
પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસમાં ખાદ્ય સુરક્ષાને લઈને એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ટ્રેન નંબર 21896 (પટના-ટાટાનગર) માં એક મુસાફરને પીરસવામાં આવેલા દહીં અને દાળમાં જીવતા કીડા મળી આવતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લેતા રેલવે મંત્રાલયે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે. કેટરિંગ સેવા પૂરી પાડતી ખાનગી કંપની પર ₹50 લાખનો તોતિંગ દંડ ફટકારી તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે.
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા અને ખાદ્ય સુરક્ષાના માપદંડોમાં થયેલી ગંભીર બેદરકારી સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવીને કાર્યવાહી કરી છે. પટના-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસમાં પીરસવામાં આવેલા ભોજનમાં જીવતા કીડા મળી આવવાની ઘટના બાદ, રેલવે મંત્રાલયે સંબંધિત કેટરિંગ કંપનીનો કરાર રદ કરી કુલ ₹60 લાખનો તોતિંગ દંડ ફટકાર્યો છે. તાજેતરમાં ટ્રેન નંબર 21896 (PNBE-TATA વંદે ભારત એક્સપ્રેસ) માં મુસાફરી કરી રહેલા રિતેશ કુમાર સિંઘ નામના પેસેન્જરને રાત્રિ ભોજનમાં પીરસવામાં આવેલા દહીં અને દાળમાં જીવતા કીડા જોવા મળ્યા હતા.
મુસાફરે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં રેલવે સ્ટાફ આ ભૂલને છુપાવવા માટે કીડાને 'કેસર' ગણાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. રેલવે મંત્રાલયે આ મામલે ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા, જેમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી સાબિત થઈ છે. ભોજન પૂરું પાડનાર ખાનગી વેન્ડર 'કૃષ્ણા એન્ટરપ્રાઇઝ' પર ₹50 લાખનો દંડ લાદવામાં આવ્યો છે. કંપનીની બેદરકારીને જોતા તેનો કેટરિંગનો કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે અને તેને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
યોગ્ય દેખરેખના અભાવે રેલવેએ તેની પોતાની સંસ્થા IRCTC પર પણ ₹10 લાખનો દંડ ફટકાર્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે IRCTC ને કડક મોનિટરિંગ અને ખાદ્ય સામગ્રીના સેમ્પલ ચેકિંગના કડક નિર્દેશો આપવામાં આવ્યા છે.