April 1, 2026
ગુજરાત

વાપીના ડુંગરામાં મધરાતે ભીષણ આગ: 25થી વધુ સ્ક્રેપ ગોડાઉન બળીને ખાખ, લાખોનું નુકસાન

02:00:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વાપીના ડુંગરામાં મધરાતે ભીષણ આગ:</span> 25થી વધુ સ્ક્રેપ ગોડાઉન બળીને ખાખ, લાખોનું નુકસાન</strong></p>

વલસાડ જિલ્લાના વાપી સ્થિત ડુંગરા વિસ્તારમાં મધરાતે ભંગારના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં 25થી વધુ સ્ક્રેપના ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને પગલે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો માલસામાન બળી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.

મદીના મસ્જિદ પાસેના 25 જેટલા ગોડાઉનો આગની ઝપેટમાં

પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં ડુંગરી ફળિયા સ્થિત મદીના મસ્જિદ પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનોમાં મધરાતે આશરે 1:30 થી 2:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે 20 થી 25 જેટલા ગોડાઉનોને પોતાની ભયાવહ ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે મધરાતે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્લાસ્ટિકના જથ્થાના કારણે આગ ઝડપથી ફેલાઈ, કિલોમીટરો દૂરથી ધુમાડો દેખાયો 

ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ભંગારનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે પલવારમાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. આગની પ્રચંડ ગરમી અડધો કિલોમીટર દૂર સુધી અનુભવાતા સ્થાનિક રહીશોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.

ફાયર વિભાગે 'મેજર કોલ' આપ્યો, પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો 

ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાંથી પણ વધુ ફાયર ટેન્ડર્સ બોલાવવામાં આવ્યા હતા. ડુંગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સાવચેતીના ભાગરૂપે આસપાસનો રહેણાંક વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવ્યો હતો.

ફાયર બ્રિગેડના જવાનોએ કલાકો સુધી સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં વધતી ગરમીની વચ્ચે ધંધુકાની ડમ્પિંગ સાઈટ પર પણ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગવાની સમાન ઘટના સામે આવી છે.