રાજામૌલીનો 'માસ્ટરસ્ટ્રોક'......ધુરંધરની સફળતા જોઈને 'વારાણસી'ને બે ભાગમાં રિલીઝ કરવાનો લીધો નિર્ણય
એસ.એસ. રાજામૌલીની ફિલ્મ નિર્માણની શૈલી હંમેશા વિશાળ રહી છે, અને તેમની આગામી ફિલ્મ 'વારાણસી' પણ આમાં અપવાદ નથી. નિર્માતાઓએ આ ફિલ્મને બે ભાગમાં વહેંચવાનું નક્કી કર્યું છે. 3 કલાકથી વધુ લાંબી આ ફિલ્મ હવે બે અલગ-અલગ હિસ્સામાં રિલીઝ થઈને દર્શકોને વાર્તાના ઊંડાણમાં લઈ જશે. દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી તેમની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ 'વારાણસી' પર ઝડપથી કામ કરી રહ્યા છે. 'બાહુબલી' અને 'RRR' જેવી વૈશ્વિક સ્તરે સફળ ફિલ્મો આપ્યા બાદ, રાજામૌલી હવે મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાની જોડી સાથે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે.
આ ફિલ્મની જાહેરાત બાદથી જ સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, રાજામૌલીએ 'વારાણસી'ને બે ભાગમાં રિલીઝ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ફિલ્મની લંબાઈ હોવાનું મનાય છે. બોલીવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ની સફળતાએ રાજામૌલીને આ ફોર્મેટ અપનાવવા પ્રેરિત કર્યા છે. 'ધુરંધર' જે રીતે બે ભાગમાં રિલીઝ થઈને બ્લોકબસ્ટર સાબિત થઈ, તે જોતા રાજામૌલી અને તેમની ટીમને વિશ્વાસ છે કે 'વારાણસી'નું લાંબુ ફોર્મેટ તેમને વધુ સારી રીતે વાર્તા રજૂ કરવામાં અને દર્શકોને જકડી રાખવામાં મદદરૂપ થશે.
આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુ અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પ્રથમ વખત સાથે જોવા મળશે. આ સિવાય પૃથ્વીરાજ સુકુમારન અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ફિલ્મનું બજેટ અંદાજે ₹1400 કરોડ હોવાનું કહેવાય છે, જે તેને ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક બનાવે છે.'વારાણસી' આવતા વર્ષે 7 એપ્રિલ, 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. જોકે આ ફિલ્મ સિક્વલ નહીં હોય, પરંતુ એક જ ફિલ્મની વાર્તાને બે ભાગમાં વહેંચવામાં આવશે. નિર્માતાઓ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ આ સમાચારે સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ચર્ચા જગાવી છે.