વરુણ ધવનના પરિવારને મળી હતી અંડરવર્લ્ડ તરફથી ધમકી, એક્ટરે કહ્યું- ઘર છોડીને બીજી જગ્યાએ રહેવું પડ્યું હતું
1990ના દાયકામાં બોલિવુડ અને અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધોની ઘણી વાતો સામે આવી છે. શાહરૂખ ખાન, કરણ જોહર, રાકેશ રોશન જેવા સ્ટાર્સને પણ ધમકીઓ મળી હતી. હવે અભિનેતા વરુણ ધવને પણ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેમના પરિવારને પણ અંડરવર્લ્ડ તરફથી ધમકી મળી હતી, જેના કારણે તેઓએ એક દિવસ માટે ઘર છોડીને ક્યાંક અન્ય જગ્યાએ રહેવું પડ્યું હતું.
વરુણ ધવને એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું, “અમને પણ અંડરવર્લ્ડ તરફથી ફોન આવતા હતા. લાંબા સમયથી આવતા હતા. પરંતુ અમને તેનો અહેસાસ જ નહોતો થતો કારણ કે જે વ્યક્તિ ફોન કરતો હતો, તેની સાથે અમારો સ્ટાફ ઝઘડો કરતો હતો. સ્ટાફે તેને અમારા ઘરનું એડ્રેસ પણ આપી દીધું અને કહ્યું કે ‘આવીને ગાર્ડનમાં મળો, હું તને ત્યાં જ પીટીશ.’”
ડેવિડ ધવનને મળી ધમકી
વરુણે વધુમાં જણાવ્યું કે જ્યારે વાત વધુ ગંભીર બની ત્યારે તેમના પિતા ડેવિડ ધવનને ફોન કરીને સીધી ધમકી આપવામાં આવી. તેમણે કહ્યું, “તેણે કહ્યું કે મામલો હાથમાંથી નીકળી ગયો છે અને હવે તે વ્યક્તિ કહે છે કે તે બંદૂક લઈને આવશે, કારણ કે તેને ઘરનું એડ્રેસ અને ઓફિસનો સમય બધું જાણી ગયો છે.”
જ્યારે ડેવિડ ધવને પૂછ્યું કે આ માહિતી કોણે આપી, ત્યારે તેણે સ્ટાફ મેમ્બરનું નામ લીધું. આ ઘટના પછી પરિવારને સુરક્ષાના કારણે એક દિવસ માટે ઘર છોડીને ક્યાંક અન્ય જગ્યાએ રહેવું પડ્યું હતું. વરુણે કહ્યું, “આ વાત હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ વાસ્તવમાં આ મજાક નહોતી.”
વરુણ ધવનની આગામી ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવનને જાન્યુઆરી,2026માં સની દેઓલ સાથે ‘બોર્ડર-2’માં જોવા મળ્યા હતા, જેણે વિશ્વભરમાં 450 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હાલમાં તેઓ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ ફિલ્મમાં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે, જે જૂન, 2026માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જિમ્મી શેરગિલ, મોની રોય અને રોહિત સરાફ પણ મહત્વની ભૂમિકામાં છે.