"જેને જવું હોય તે જાય, કોંગ્રેસ પાર્ટીને કોઈના છોડી જવાથી કોઈ ફરક નથી પડતો" : રાજકોટમાં વશરામ સાગઠિયાનું નિવેદન...
રાજકોટના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા વોર્ડ નંબર 15માં હાલ કોંગ્રેસની આંતરિક સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટિકિટની વહેંચણી મુદ્દે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આ મામલે જણાવ્યું છે કે, ટિકિટ કોને આપવી તે સંપૂર્ણપણે પાર્ટી અને હાઈકમાન્ડનો વિષય છે. જોકે, એકતરફ જૂના જોગીઓ પોતાનું વર્ચસ્વ ટકાવવા મથી રહ્યા છે, તો બીજી તરફ નવા ચહેરાઓ અને પક્ષ પ્રત્યેની વફાદારી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે, જેના કારણે હાલ તો આ વોર્ડમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું જોવા મળે છે.
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતા પ્રવીણ સોરાણી અને તેમના પત્ની તેમજ પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી ભાજપના સંપર્કમાં હોવાની જોરદાર ચર્ચાઓએ જોર પકડ્યું છે. વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે, ભૂતકાળમાં પણ પ્રવીણ સોરાણી દ્વારા પક્ષ વિરોધી નિવેદનો આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જે તેમની શંકાસ્પદ ભૂમિકા તરફ ઈશારો કરે છે. સાગઠિયાએ આક્રમક તેવરમાં કહ્યું કે, કોંગ્રેસ જેવી મોટી પાર્ટીને કોઈના આવવાથી કે જવાથી કોઈ ફરક પડતો નથી. વ્યક્તિ કરતાં પક્ષ મોટો છે અને જેઓ ભાજપના શરણે જવા માંગતા હોય તેમનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ ફરક પડતો નથી. 
ગઢ જીતવા ભાજપની રણનીતિ અને કોંગ્રેસનો આંતરિક ડર
વોર્ડ નંબર 15એ કોંગ્રેસનો સૌથી મજબૂત મજબૂત ગઢ માનવામાં આવે છે, અને આ જ કારણ છે કે ભાજપ આ વિસ્તારમાં કોંગ્રેસની પકડ તોડવા માંગે છે. ભાજપ કોંગ્રેસના નેતાઓને તોડીને આ વિસ્તારમાં પોતાની પકડ જમાવવા માંગે છે. હાલ તો આ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે રાજકોટનું રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં વોર્ડ નંબર 15માં મોટા ઉલટફેર થવાની શક્યતા નકારી શકાતી નથી.