વાવ-થરાદમાં ઓનલાઈન લૂંટ! 100થી વધુ લોકો ભોગ બન્યાનો દાવો, ખેડૂતોના ખાતામાંથી હજારોની રકમ ગાયબ!
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને થરાદ પંથકમાં સાયબર માફિયાઓએ આતંક મચાવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીના એક-બે નહીં પણ 100થી વધુ કિસ્સાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂતોની પરસેવાની કમાણી પર તરાપ મારતી આ ટોળકીએ અનેક લોકોના બેંક ખાતામાંથી હજારો રૂપિયા ગેરકાયદેસર રીતે ઉપાડી લીધા હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યવહાર કર્યા વગર નાણાં કપાઈ જતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આવો જ અન્ય એક કિસ્સો પ્રજાપતિ ખેડૂત સાથે બન્યો છે, જેમના ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા હતા.
નવાઈની વાત એ છે કે, આ ખેડૂતને તો નાણાં કપાયાનો કોઈ મેસેજ પણ આવ્યો ન હતો, જ્યારે તેમણે YONO એપ ચેક કરી ત્યારે છેતરપિંડીની ખબર પડી હતી. ભોગ બનનાર ખેડૂતોએ જણાવ્યું કે રવિવારે બેંકો બંધ હોવાથી તેઓ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી શક્યા ન હતા. આજે સોમવારે જ્યારે તેઓ બેંક પહોંચ્યા ત્યારે બેંક સત્તાધીશોએ સ્વીકાર્યું હતું કે આવા ફ્રોડ અત્યારે મોટા પાયે ચાલી રહ્યા છે અને અનેક લોકો તેના શિકાર બન્યા છે.
સ્થાનિકોના દાવા મુજબ, આ વિસ્તારમાં અંદાજે 100થી વધુ લોકોના ખાતામાંથી આ જ રીતે નાણાંની ચોરી થઈ છે. છેતરપિંડીનો શિકાર બનેલા ખેડૂતોએ આ મામલે ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. સાથે જ સ્થાનિક પોલીસ મથકે લેખિત અરજી આપી પોતાની મહેનતની કમાણી પરત અપાવવા અને અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.