વેરાવળમાં રખડતા ઢોરનો આંતક : આખલાએ યુવાન પર કર્યો હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો...
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક સીમા વટાવી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં વેરાવળના શિવનગર વિસ્તારની શેરી નંબર 4માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પોતાના કામ અર્થે બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવાન પર રખડતા પશુએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં યુવાન બાઈક પરથી ફંગોળાઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રહેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ આકસ્મિક હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો હવે રસ્તા પર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે.
સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વેરાવળમાં રખડતા ઢોરની સમસ્યા નવી નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શિવનગર સહિતના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પશુઓના ઝુંડ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે પસાર થવું મુશ્કેલ બની જાય છે. અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. તેવા લોકોનો આક્ષેપ છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ રખડતા ઢોરને પકડીને પાંજરે પૂરવામાં નહીં આવે અથવા તો યોગ્ય ડબ્બે પૂરવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો ગ્રામજનોએ એકસૂરે તંત્ર પાસે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની પ્રબળ માંગ કરી છે.