વિજય દેવરકોંડાએ પત્ની રશ્મિકા મંદાનાને પાઠવી અનોખી જન્મદિવસની શુભેચ્છા: 'રણબાલી' ના ટ્વિસ્ટ સાથે કહ્યું- 'આઈ લવ યુ જયામ્મા'
બોલિવૂડ અને સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાએ રવિવારે 5 એપ્રિલના રોજ પોતાની પત્ની અને અભિનેત્રી રશ્મિકા મંદાનાને તેના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. લગ્ન પછીના રશ્મિકાના આ 1 લા જન્મદિવસે વિજયે તેમની આગામી ફિલ્મ 'રણબાલી' નો એક સ્પેશિયલ વીડિયો શેર કરીને જાહેરમાં પ્રેમની કબૂલાત કરી છે.
'રણબાલી' ના સેટ પરથી શેર કર્યો ટ્રાન્સફોર્મેશન વીડિયો
વિજય દેવરકોંડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો મોન્ટેજ શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે, "આઈ લવ યુ જયામ્મા :)". અહીં 'જયામ્મા' એ તેમની આગામી ફિલ્મ 'રણબાલી' માં રશ્મિકાના પાત્રનું નામ છે. આ વીડિયોમાં રશ્મિકાના અસલ સ્વરૂપમાંથી 'જયામ્મા' ના પાત્રમાં થતા પરિવર્તનની સુંદર ઝલક જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં ફિલ્મી ટીમ દ્વારા રશ્મિકાનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ તે પોતાના પાત્રના લુક અંગે ચર્ચા કરતી જોવા મળે છે.
પરંપરાગત લુકમાં રશ્મિકા અને વીડિયોનો રોમેન્ટિક અંત
શેર કરવામાં આવેલા આ વીડિયોની એક ફ્રેમમાં રશ્મિકા પોતાના કોસ્ચ્યુમ પહેરતી અને લુકનો અભ્યાસ કરતી જોવા મળે છે. તે પરંપરાગત પોશાક, ઘરેણાં અને મોટો ચાંદલો ધારણ કરેલી જોવા મળે છે, જે તેને જૂના યુગના 'જયામ્મા' ના પાત્રમાં સ્થાપિત કરે છે. વીડિયોમાં ટાઇટલ કાર્ડ્સ પણ આવે છે, જેમાં "રણબાલીની શક્તિની ઉજવણી" અને "હેપ્પી બર્થડે રશ્મિકા મંદાના" લખેલું જોવા મળે છે. મોન્ટેજના અંતિમ શોર્ટમાં વિજય અને રશ્મિકા સાથે સૂતેલા જોવા મળે છે, જે બંને વચ્ચેની રોમેન્ટિક કેમેસ્ટ્રી દર્શાવે છે.
લગ્ન બાદ દંપતીની આ 1 લી ફિલ્મ
નોંધનીય છે કે, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. 'રણબાલી' આ દંપતીની લગ્ન પછી રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ હશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં રશ્મિકા એક મજબૂત અને જમીન સાથે જોડાયેલા પાત્રમાં જોવા મળશે, જ્યારે વિજય રફ અને ઇન્ટેન્સ ભૂમિકા ભજવી રહ્યો છે. ચાહકો આ રિયલ-લાઈફ કપલને મોટા પડદા પર એકસાથે જોવા માટે ભારે ઉત્સુક છે.