યમુના નદીમાં હોડી પલટી, 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત, 15નો આબાદ બચાવ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન ખાતે આજે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વૃંદાવનના જગવિખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હોડી વૃંદાવન અને માન વચ્ચે શ્રદ્ધાળુઓની અવરજવર કરી રહી હતી. હોડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો સવાર હતા. કેસી ઘાટ નજીક નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી.
ટક્કર એટલી પ્રચંડ હતી કે હોડીએ સંતુલન ગુમાવ્યું હતું અને પળવારમાં નદીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, પ્રશાસન અને સ્થાનિક તરવૈયાઓની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 15 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કમનસીબે, 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય કોઈ લાપતા છે કે કેમ તે માટે નદીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 
મથુરા જિલ્લા વહીવટી તંત્રે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ હોડીમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવા અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર હોડી ચાલક સામે કડક કાર્યવાહીની ખાતરી અપાઈ છે. આ ઘટનાને પગલે વૃંદાવન અને સમગ્ર મથુરા પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે કારણ કે હોસ્પિટલમાં સારવાર હેઠળના અમુક શ્રદ્ધાળુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.