તાપીના વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં નહીં, ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ થવાની પ્રબળ શક્યતા

તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર શરૂઆત કરી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના અંતે વોર્ડ નંબર 5 માં ભાજપના ચારેય ઉમેદવારો સામે કોઈ અન્ય પક્ષ કે અપક્ષે દાવેદારી ન નોંધાવતા આખી પેનલ સંભવિત બિનહરીફ થશે. જેમાં નિમિષાબેન બાબુભાઇ ચૌધરી, દ્રષ્ટીબેન ચિરાગભાઈ અલમૌલા, અનિલભાઈ આત્મારામભાઈ શિરસાળે, દિલીપભાઈ અમૃતભાઈ જાદવનો સમાવેશ થાય છે. મતદાન પૂર્વે જ વિજય નિશ્ચિત જણાતા પક્ષની છાવણીમાં ખુશીનો માહોલ છે.
વિપક્ષ મેદાનમાંથી ગાયબ, ભાજપના તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત
વ્યારા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 5 ના પરિણામો મતદાન પૂર્વે જ સ્પષ્ટ થઈ ગયા છે. ચૂંટણી પંચની સમયમર્યાદા પૂર્ણ થવા સુધીમાં આ વોર્ડમાં ભાજપ દ્વારા ઉભા રાખવામાં આવેલા ઉપરોક્ત 4 ઉમેદવારો સિવાય અન્ય કોઈ પણ રાજકીય પક્ષના કે અપક્ષ ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું ન હતું. સામે કોઈ હરીફ ઉમેદવાર જ મેદાનમાં ન હોવાથી ભાજપના આ તમામ ચારેય ઉમેદવારો મતદાન પ્રક્રિયા પહેલા જ સંભવિત બિનહરીફ વિજેતા બન્યા છે.
વોર્ડ નંબર 5 માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારે રસાકસી જોવા મળતી હોય છે, પરંતુ વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ભાજપે આખી પેનલ કબ્જે કરીને વિપક્ષોને મોટો ફટકો આપ્યો છે. આ બેઠકો પર કોઈએ ફોર્મ ન ભરતા હવે વહીવટી તંત્ર દ્વારા સ્ક્રૂટિની બાદ ઔપચારિક રીતે તેમને વિજેતા જાહેર કરવામાં આવશે અને આ ઉમેદવારો બિનહરીફ થશે. એક જ વોર્ડની તમામ 4 બેઠકો પર સંભવિત બિનહરીફ જીત થતાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં વધુ બેઠકો બિનહરીફ થવાની પ્રબળ શક્યતા
વ્યારા નગરપાલિકામાં ભાજપે જે રીતે ખાતું ખોલાવ્યું છે, તેને જોતા રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હજુ પણ અન્ય કેટલાક ઉમેદવારો બિનહરીફ થઈ શકે છે. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં કેટલાક અન્ય વોર્ડમાં જો હરીફ ઉમેદવારો પોતાનું નામાંકન પરત ખેંચી લેશે કે ફોર્મ રદ્દ થશે, તો વધુ બેઠકો પણ ભાજપના ફાળે બિનહરીફ જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ચૂંટણી અધિકારી દ્વારા ઔપચારિક જાહેરાત બાદ અંતિમ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.