રાત્રે સૂતા પહેલા હાથ-પગ ધોવાની આદત છે? જો નથી, તો આ વાંચીને આજે જ શરૂ કરી દેશો!
આપણે આખો દિવસ ચહેરા અને હાથની સુંદરતા પાછળ સમય ફાળવીએ છીએ, પરંતુ શરીરનો સૌથી મહત્વનો અને સક્રિય ભાગ એવા 'પગ' ની અવારનવાર અવગણના કરીએ છીએ. દિવસભર આપણું આખું વજન ઊંચકતા પગમાં વધુ સ્નાયુઓ હોય છે, જેની યોગ્ય કાળજી લેવી અનિવાર્ય છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા પગ ન ધોવાની એક નાનકડી ભૂલ તમારા પલંગને જંતુઓનું ઘર બનાવી શકે છે અને ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન નોતરી શકે છે, રાત્રે પગ ધોવા કેમ જરૂરી છે અને તે કેવી રીતે તમારી ઊંઘ અને સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.
માનવ શરીરના તમામ અંગોમાં પગ સૌથી સક્રિય ભાગ છે, જે દરેક ડગલે આપણું સમગ્ર વજન સહન કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, એક પગમાં 26 હાડકાં, 33 સાંધા અને 100થી વધુ સ્નાયુઓ તેમજ રજ્જૂ હોય છે. આટલી જટિલ સંરચના ધરાવતા અંગની સંભાળ લેવી અન્ય અંગો જેટલી જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો પોતાના ચહેરા અને હાથની સુંદરતા પાછળ ઘણો સમય અને ખર્ચ કરે છે, પરંતુ પગના સ્વાસ્થ્યની અવગણના કરે છે. ઘણા લોકો બહારથી આવ્યા બાદ કે રાત્રે સૂતા પહેલા પગ ધોયા વિના જ પલંગ પર ચઢી જાય છે. આ બેદરકારી લાંબા ગાળે ગંભીર શારીરિક સમસ્યાઓ નોતરી શકે છે.
બેક્ટેરિયાનું ઘર
સૂતા પહેલા પગ ન ધોવાથી તમારો પલંગ જંતુઓનું ઘર બની જાય છે. ઘરની અંદર કે બહારથી પગમાં ચોંટેલી ગંદકી અને ધૂળના રજકણો પલંગની ચાદરમાં ફેલાય છે. આખો દિવસ જૂતા પહેરવાને કારણે થતો પરસેવો બેક્ટેરિયાના સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓ
ગંદા પગ સાથે સૂવાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે. આનાથી ત્વચામાં ખંજવાળ, લાલાશ, ચામડી ઉખડવી, ફોડલાં અને એડી ફાટવા જેવી સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને જેઓ લાંબા સમય સુધી જૂતા-મોજા પહેરી રાખે છે, તેવા વિદ્યાર્થીઓ અને ખેલાડીઓમાં આ સમસ્યાઓ વધુ જોવા મળે છે.
ગંભીર પરિણામો
પગની સમસ્યાઓની જો સમયસર સારવાર કે કાળજી ન લેવામાં આવે, તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ફાટેલી એડીમાં થતો અસહ્ય દુખાવો ક્યારેક એટલો વધી જાય છે કે તેને મટાડવા માટે સર્જરીની પણ જરૂર પડી શકે છે. ઉપરાંત, ચેપી રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવાની શક્યતા પણ વધી જાય છે.
સ્વસ્થ રહેવાના ઉપાયો
પગને સ્વસ્થ અને નરમ રાખવા માટે અઠવાડિયામાં બે વાર હૂંફાળા પાણીમાં પગ પલાળી રાખવા જોઈએ. આનાથી સાંધા અને સ્નાયુઓને આરામ મળે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. રાત્રે પગ ધોઈને સૂવાથી માત્ર શારીરિક સ્વચ્છતા જ જળવાતી નથી, પરંતુ તેનાથી ઊંઘની ગુણવત્તામાં પણ મોટો સુધારો જોવા મળે છે.