ગુજરાતમાં ઉનાળા પૂર્વે જ જળસંકટની દસ્તક: 4 માસમાં જળાશયોમાં 27% પાણી ઘટ્યું, સૌરાષ્ટ્રના 7 ડેમ તળિયાઝાટક
ગુજરાતમાં ગત ચોમાસે અતિવૃષ્ટિ જેવો માહોલ હોવા છતાં, ઉનાળાની શરૂઆતે જ રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. દિવાળી બાદ માગસર મહિના સુધી રાજ્યના ડેમોમાં 96% જેટલો જળજથ્થો ઉપલબ્ધ હતો, પરંતુ શિયાળાના ચાર મહિનાના વપરાશ બાદ રાજ્યના કુલ જળસંગ્રહમાં 27%નો જંગી ઘટાડો નોંધાયો છે. હાલ રાજ્યમાં સરેરાશ 68.96% પાણી બચ્યું છે, જે આગામી ધોમધખતા ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેવા સંકેત આપી રહ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ સૌથી વધુ નાજુક
રાજ્યના કુલ 207 ડેમો પૈકી 46 ડેમોમાં અત્યારે 25%થી પણ ઓછું પાણી ઉપલબ્ધ છે, જેમાં મોટાભાગના જળાશયો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં છેલ્લા ચાર મહિનામાં 35% પાણીનો ઘટાડો થયો છે અને હાલ ત્યાં માત્ર 54.75% સ્ટોરેજ બાકી છે. ચોંકાવનારી વિગત એ છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના 18 ડેમોમાં તો માત્ર 10%થી પણ ઓછું પાણી છે.
7 ડેમ બન્યા મેદાન: દેવભૂમિ દ્વારકાની હાલત કફોડી
ઉનાળો જામ્યો નથી ત્યાં જ રાજ્યના 7 ડેમો 'ઝીરો સ્ટોરેજ' સાથે મેદાનમાં ફેરવાઈ ગયા છે. જેમાં જામકલ્યાણપુરનો સાની, ધ્રોલનો ઉંડ-2, ચોટીલાનો મોરશલ, ભુજનો કૈલા, વિસાવદરનો પ્રેમપરા અને કુતિયાણાના અમીપુર તથા સરણ ડેમનો સમાવેશ થાય છે. જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો 80% ખાલી થઈ ચૂક્યો છે અને ત્યાં માત્ર 20% જળસંગ્રહ છે. રાજકોટ જેવા મહાનગરોએ અત્યારથી જ પીવાના પાણી માટે નર્મદાના નીર પર આધાર રાખવો પડી રહ્યો છે.
નર્મદા ડેમમાં પણ જળસ્તર ઘટ્યું
જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની વાત કરીએ તો, ચાર મહિના પહેલા નર્મદા ડેમ 96.47% ભરેલો હતો, જે હવે ઘટીને 73.03% પર પહોંચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ જળસંગ્રહની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નવેમ્બર 2025માં દક્ષિણ ગુજરાતના ડેમોમાં 99.02% પાણી હતું, જે માર્ચ 2026ની સ્થિતિએ ઘટીને 91.28% (2,16,584 MCFT) એ પહોંચ્યું છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતમાં 57.56% અને મધ્ય ગુજરાતમાં 73.31% જળસંગ્રહ બચ્યો છે.
ક્લાઈમેટ ચેન્જ અને જળવ્યય મોટો પડકાર
નિષ્ણાંતોના મતે બદલાતા ક્લાઈમેટ ચેન્જને કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. દર વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે તે જરૂરી નથી, તેથી સ્થાનિક કુવા, બોર અને તળાવોની ઉપેક્ષા કરવાને બદલે જળસંચય અને પાણીનો કરકસરભર્યો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. જો અત્યારથી જ જળવ્યય અટકાવવામાં નહીં આવે, તો મે અને જૂન મહિનામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.