April 1, 2026
ગુજરાત

કચ્છમાં કુદરતનો મિજાજ બદલાયો: અબડાસાના નલિયામાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p>કચ્છમાં કુદરતનો મિજાજ બદલાયો: <span style="color: rgb(224, 62, 45);"><strong>અબડાસાના નલિયામાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા</strong></span></p>

કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ કુદરતનો મિજાજ બદલાયો છે. આજે વહેલી સવારથી જ અબડાસા તાલુકાના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને અબડાસાના મુખ્ય મથક નલિયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થયો હતો. નલિયા શહેરમાં અચાનક મેઘરાજાની એન્ટ્રી થતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

ગાજવીજ અને તેજ પવન સાથે પડેલા આ વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન સ્થાનિક લોકોએ આ કમોસમી વરસાદને કારણે મોટી રાહત અનુભવી હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો હતો, પરંતુ આ વરસાદી ઝાપટાએ તાપમાનમાં ઘટાડો કર્યો છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકોને ઉનાળાની ગરમીમાં ઠંડકનો અહેસાસ થયો હતો.

માત્ર કચ્છ જ નહીં, પરંતુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ આગામી થોડા દિવસો સુધી આવું જ વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે, જે ઉનાળાની ગરમીમાં લોકોને રાહત આપવાનું ચાલુ રાખશે.