April 2, 2026
ભારત

બંગાળ કોલસા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીમાં દરોડા, તપાસનો વ્યાપ દેશભરમાં....

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બંગાળ કોલસા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીમાં દરોડા, </strong></span>તપાસનો વ્યાપ દેશભરમાં....</p>

પશ્ચિમ બંગાળના ચર્ચિત કરોડો રૂપિયાના કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આજે વહેલી સવારથી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ જાણીતી રાજકીય સલાહકાર સંસ્થા I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) સાથે સંકળાયેલા દેશભરના વિવિધ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. આ ઓપરેશન હેઠળ હૈદરાબાદ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં સંસ્થાના ડાયરેક્ટરો અને તેમના રહેણાંક વિસ્તારો પર સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડામાં I-PAC ના ડાયરેક્ટર ઋષિરાજ સિંહના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ EDએ સંસ્થાના કોલકાતા સ્થિત મુખ્ય કાર્યાલય અને અન્ય ડાયરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાનો પર સર્ચ કર્યું હતું. આ કેસમાં ત્યારે મોટો વળાંક આવ્યો જ્યારે અગાઉના દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ જાતે I-PAC ની ઓફિસે પહોંચી ગયા હતા, જેના પર એજન્સીએ પુરાવા નષ્ટ કરવાનો આક્ષેપ કર્યો છે.

પુરાવા નષ્ટ કરવાના આ ગંભીર પ્રયાસો બાદ કેન્દ્રીય એજન્સીએ હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. EDએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પાસે સ્વતંત્ર રીતે કરાવવામાં આવે. એજન્સીનું માનવું છે કે રાજ્ય સરકારના સીધા હસ્તક્ષેપ અને દબાણને કારણે આ કેસમાં સ્થાનિક સ્તરે તટસ્થ તપાસ થવી અશક્ય છે. આ મામલે EDએ ડિજિટલ પુરાવાઓ સાથે કોર્ટમાં રજૂઆત કરી છે.

તપાસ એજન્સીનો પ્રાથમિક દાવો છે કે કોલસા કૌભાંડના ગુનાહિત માર્ગે મેળવેલા આશરે ₹10 કરોડ હવાલા માર્ગે I-PAC સંસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. આ રકમનો ઉપયોગ ૨૦૨૨ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ  માટે પ્રચાર અને રાજકીય વ્યૂહરચના ઘડવા માટે કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. આ નાણાકીય વ્યવહારોના પુરાવા શોધવા માટે હવે વિવિધ બેંક ખાતાઓ અને ડિજિટલ ડેટાની ગહન તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, I-PAC સંસ્થા હાલમાં પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે મમતા બેનર્જી અને તેમની પાર્ટી માટે મુખ્ય રણનીતિકાર તરીકે કાર્યરત છે. ચૂંટણીના માહોલ વચ્ચે સંસ્થાના ડાયરેક્ટરો પર EDની આ કાર્યવાહીથી રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષો આ મામલે સરકારને ઘેરી રહ્યા છે, જ્યારે TMC તેને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ અને રાજકીય કિન્નાખોરી ગણાવી રહી છે.