WhatsApp તો થયું 'હેંગ' ! મેસેજ મોકલવામાં હાલાકી અને એપ વારંવાર 'હેંગ' થતાં દુનિયાભરના યુઝર્સ થયાં પરેશાન...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય એવા મેસેજિંગ એપ વોટ્સએપમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ સમસ્યાઓનો દોર શરૂ થયો છે, જેના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોના યુઝર્સ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઘણા યુઝર્સ એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમના મેસેજ મોકલવામાં કે રિસીવ કરવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે અથવા તો મેસેજ અટકી રહ્યા છે. આટલું જ નહીં, મેસેજ સેન્ડ કર્યા બાદ એપ અચાનક થોડી સેકન્ડો માટે 'ફ્રીઝ' થઈ જાય છે અથવા હેંગ થઈ જતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ખાસ કરીને રેડિટ જેવા પ્લેટફોર્મ પર યુઝર્સ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને આ સમસ્યા કોઈ એક વ્યક્તિગત ડિવાઈસ પૂરતી સીમિત ન હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે તમામ યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા નથી, પરંતુ જેમને આ તકલીફ પડી રહી છે તેમના માટે દૈનિક સંવાદ મુશ્કેલ બન્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે ગ્લોબલ આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ 'ડાઉન ડિટેક્ટર' પર વોટ્સએપ સર્વર ડાઉન હોવા અંગેની કોઈ મોટી માહિતી જોવા મળી નથી. આનો અર્થ એ થયો કે વોટ્સએપની મુખ્ય સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ નથી, પરંતુ એપના ચોક્કસ વર્ઝન કે બગના કારણે યુઝર્સને સ્મૂધ એક્સપિરિયન્સ મળી રહ્યો નથી. વોટ્સએપ દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ કંપનીના FAQ પેજ મુજબ મેસેજિંગમાં આવતી સમસ્યાઓ પાછળ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સામેવાળી વ્યક્તિનો ફોન બંધ હોવો કે નેટવર્ક કવરેજની મર્યાદા જેવા કારણો હોઈ શકે છે. તેમ છતાં, એપ વારંવાર હેંગ થવી એ કોઈ ટેકનિકલ બગ તરફ ઈશારો કરે છે જે કદાચ આગામી અપડેટમાં સુધારી લેવામાં આવશે.
જો તમે પણ વોટ્સએપમાં આવી સમસ્યા અનુભવી રહ્યા હોવ, તો નિષ્ણાતો અને કંપનીના સૂચનો મુજબ સૌથી પહેલા તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન તપાસવું જોઈએ. ઘણીવાર એપ જૂની થઈ ગઈ હોવાથી પણ આવી અડચણો આવતી હોય છે, તેથી ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર જઈને વોટ્સએપને લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, ફોનના ઓપરેટિંગ સિસ્ટમ (OS)ને અપડેટ રાખવાથી અને એકવાર ફોનને રીસ્ટાર્ટ કરવાથી પણ આવી નાની ટેકનિકલ સમસ્યાઓ ઘણીવાર ઉકેલાઈ જતી હોય છે. વોટ્સએપ સતત નવા ફિચર્સ અને બગ ફિક્સિંગ માટે અપડેટ્સ બહાર પાડતું રહે છે, તેથી યુઝર્સે હંમેશા લેટેસ્ટ વર્ઝનનો જ આગ્રહ રાખવો જોઈએ જેથી મેસેજિંગમાં કોઈ અવરોધ ન આવે.