ચાલતી ટ્રેનમાં નળ ખોલતા જ પાણી ક્યાંથી આવે છે? જાણો કોચની અંદરની એ 'સિક્રેટ' જગ્યા
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દોડતી ટ્રેનમાં નળ ખોલતા જ પાણી ક્યાંથી આવે છે? ટ્રેનના ડબ્બામાં ક્યાંય મોટો ટાંકો દેખાતો નથી, તો પછી હજારો મુસાફરોની જરૂરિયાત કેવી રીતે પૂરી થાય છે? મોટાભાગના મુસાફરો માને છે કે પાણી ટ્રેનની છત પર હોય છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે. ભારતીય રેલવેની આ અદભૂત વોટર સ્ટોરેજ સિસ્ટમ અને મુસાફરી દરમિયાન પાણી ખૂટી જવાની સ્થિતિમાં રેલવે કેવી રીતે કામ કરે છે.
ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, જેમાં લાખો મુસાફરો દરરોજ સફર કરે છે.ટ્રેનમાં મુસાફરી દરમિયાન વોશરૂમ અને બેસિનમાં પાણીનો સતત ઉપયોગ થાય છે, પરંતુ ઘણા મુસાફરો એ વાતથી અજાણ હોય છે કે આટલું બધું પાણી ટ્રેનના ડબ્બામાં કઈ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે. રેલવે દ્વારા દરેક કોચમાં મુસાફરોની સુવિધા માટે હજારો લિટર પાણીની અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવે છે. મુસાફરી દરમિયાન પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એક નાનકડી ભૂલ કે નળ ખુલ્લો રહી જવાથી આખા કોચનું પાણી ખાલી થઈ શકે છે, જે અન્ય મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. રેલવેના આ અદભૂત એન્જિનિયરિંગને સમજવું એ દરેક જાગૃત મુસાફર માટે જરૂરી છે.
અંડરકેરેજ વોટર ટેન્ક: પાણીનું સંગ્રહસ્થાન
સામાન્ય રીતે લોકોને લાગે છે કે પાણીના ટાંકા ટ્રેનની છત પર હશે, પરંતુ વાસ્તવમાં ટ્રેનના દરેક કોચની નીચે મોટા સ્ટીલના ટેન્ક લગાવવામાં આવે છે. આ ટેન્કોને 'અંડરકેરેજ વોટર ટેન્ક' કહેવામાં આવે છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ ટાંકા નીચે રાખવાથી ટ્રેનનું સંતુલન જળવાઈ રહે છે અને પલટી જવાનો ભય રહેતો નથી. સામાન્ય રીતે એક કોચમાં 400 થી 500 લિટરની ક્ષમતાવાળા 4 ટાંકા હોય છે,,
પાણી ખૂટી જાય તો શું? - ફાસ્ટ વોટરિંગ સિસ્ટમ
જો લાંબી મુસાફરી દરમિયાન પાણી ખૂટી જાય, તો રેલવે પાસે તેની ખાસ વ્યવસ્થા હોય છે. ભારતના મુખ્ય રેલવે સ્ટેશનો પર 'ફાસ્ટ વોટરિંગ સિસ્ટમ' કાર્યરત છે. રેલવે ટ્રેકની વચ્ચે પાઈપલાઈનનું જાળું બિછાવેલું હોય છે, જેના દ્વારા માત્ર 5 થી 10 મિનિટના ટૂંકા સ્ટોપેજ દરમિયાન હાઈ-પ્રેશર પંપથી આખા કોચના ટાંકા ફરીથી ભરી દેવામાં આવે છે.
પાણી ઉપર કેવી રીતે પહોંચે છે?
કોચની નીચે રહેલું પાણી નળ સુધી પહોંચાડવા માટે ખાસ પંપ અથવા એર પ્રેશર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીને કારણે ટ્રેન ગમે તેટલી ઝડપે દોડતી હોય, મુસાફરોને નળમાં પાણીનું યોગ્ય દબાણ મળી રહે છે.