April 7, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર, કોઈ જાનહાનિ નહીં, શંકાસ્પદની શોધખોળ શરૂ

07:00:00 PM
Save
Apr 5, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર,</span> કોઈ જાનહાનિ નહીં, શંકાસ્પદની શોધખોળ શરૂ</strong></p>

વોશિંગ્ટનમાં રવિવારે વહેલી સવારે અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ નજીક આવેલા લેફાયેટ પાર્ક પાસે ગોળીબાર થયાના અહેવાલોથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે વ્હાઇટ હાઉસની સુરક્ષા સઘન કરી દેવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ પોલીસ દ્વારા ફરાર શંકાસ્પદ વ્યક્તિની સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

મધરાતે 1 વાગ્યે ગોળીબારના અહેવાલથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે મધ્યરાત્રિ પછી લગભગ 1 વાગ્યાની આસપાસ વ્હાઇટ હાઉસની બરાબર ઉત્તરે આવેલા લેફાયેટ પાર્ક વિસ્તારમાં ગોળીબાર થયો હોવાના પ્રારંભિક અહેવાલો મળ્યા હતા. આ માહિતી મળતા જ યુ.એસ. સિક્રેટ સર્વિસના અધિકારીઓ, ડીસી પોલીસ વિભાગ અને યુ.એસ. પાર્ક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પાર્ક અને આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન

ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. યુ.એસ. સિક્રેટ સર્વિસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાર્ક અને આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સર્ચ કરવામાં આવ્યું હતું, અને કોઈ શંકાસ્પદ મળી આવ્યો ન હતો. કોઈ ઈજાના અહેવાલ નથી." હાલમાં અધિકારીઓ આ ગોળીબારની ઘટનામાં સામેલ એક સંભવિત વાહન અને શંકાસ્પદ વ્યક્તિની સક્રિયપણે શોધ કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસની કામગીરી સામાન્ય, કેટલાક રસ્તાઓ બંધ કરાયા

ગોળીબારની ઘટના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની બિલકુલ નજીક બની હોવા છતાં તેની કોઈ મોટી અસર થઈ ન હતી. સિક્રેટ સર્વિસે સ્પષ્ટતા કરી છે કે, "વ્હાઇટ હાઉસમાં કામગીરી સામાન્ય રહી હોવા છતાં, સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે." સાવચેતીના પગલારૂપે અધિકારીઓએ લેફાયેટ પાર્કની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી લીધો છે. H સ્ટ્રીટ NW, I સ્ટ્રીટ NW અને 16 મી સ્ટ્રીટ NW સહિતના કેટલાક રસ્તાઓ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

સિક્રેટ સર્વિસ દ્વારા નાગરિકોને માહિતી આપવા અપીલ

આ ઘટનાની વધુ તપાસ માટે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સંયુક્ત રીતે કામે લાગી છે. સિક્રેટ સર્વિસના ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગ્લીએલ્મીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે ડીસી પોલીસ વિભાગ અને યુ.એસ. પાર્ક પોલીસ સાથે મળીને લેફાયેટ પાર્કના વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલા ગોળીબારની તપાસ કરી રહ્યા છીએ. માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિને ડીસી પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.