તાળીઓનો ગડગડાટ નહીં, પણ ડેસ્કનો અવાજ! સંસદના આ અનોખા 'પ્રોટોકોલ' પાછળનું કારણ જાણીને ચોંકી જશો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે સંસદમાં કોઈ મંત્રી મહત્વની જાહેરાત કરે છે, ત્યારે સાંસદો તાળી પાડવાને બદલે ટેબલ કેમ થપથપાવે છે? ટીવી પર સંસદની કાર્યવાહી જોતી વખતે આ અવાજ આખા સદનમાં ગુંજી ઉઠે છે. મોટાભાગના લોકો તેને માત્ર એક રિવાજ માને છે, પરંતુ તેની પાછળ વર્ષો જૂની પરંપરા, બ્રિટિશ કનેક્શન અને સંસદના કડક નિયમો જવાબદાર છે. ભારતીય સંસદની કાર્યવાહી દરમિયાન જ્યારે કોઈ નેતા પ્રભાવશાળી ભાષણ આપે કે મહત્વની જાહેરાત કરે, ત્યારે આખું સદન એક ખાસ અવાજથી ગુંજી ઉઠે છે. આ અવાજ તાળીઓનો નહીં, પરંતુ સાંસદો દ્વારા ટેબલ થપથપાવવાનો હોય છે.
સામાન્ય જનતા માટે આશ્ચર્યનો વિષય બનેલી આ પરંપરા પાછળ વર્ષો જૂનો ઇતિહાસ અને બ્રિટિશ સંસદીય લોકશાહીના કડક નિયમો જવાબદાર છે. ભારતીય સંસદની મોટાભાગની કાર્યવાહી બ્રિટિશ સંસદીય પ્રણાલી પર આધારિત છે. બ્રિટિશ સંસદમાં સદનની કાર્યવાહી દરમિયાન તાળી વગાડવી એ શિસ્તભંગ અને વક્તાની વાતમાં વિક્ષેપ માનવામાં આવે છે. બ્રિટિશ સંસદીય નિયમ પુસ્તિકા 'Erskine May' મુજબ, કોઈ પણ સભ્ય બોલતી વખતે સીટી વગાડવી, નારા લગાવવા કે તાળીઓ પાડીને અવરોધ પેદા કરી શકે નહીં. ભારતે આઝાદી બાદ 1952માં આ જ શિસ્તબદ્ધ પરંપરાને અપનાવી હતી. સંસદીય નિયમો અનુસાર, તાળી વગાડવી એ સદનની ગરિમાની વિરુદ્ધ માનવામાં આવે છે.
જો કોઈ સભ્ય ઉત્સાહમાં આવીને તાળી વગાડે છે, તો સ્પીકર કે ચેરમેન તેમને તુરંત રોકી શકે છે. તાળી પાડવાથી થતો અવાજ અનિયંત્રિત હોઈ શકે છે અને તે વક્તાના પ્રવાહને તોડી શકે છે, જ્યારે ટેબલ થપથપાવવું એ સમર્થન દર્શાવવાની એક વધુ ઔપચારિક અને નિયંત્રિત રીત છે. જ્યારે સાંસદો પોતાના ડેસ્ક પર હાથ મારીને અવાજ કરે છે, ત્યારે તેને 'ડેસ્ક થમ્પિંગ' કહેવામાં આવે છે. આ રીતે સાંસદો કોઈ બિલ પ્રત્યે પોતાની સંમતિ, સાથી સભ્યના ભાષણની પ્રશંસા કે કોઈ વિદેશી મહેમાનનું અભિવાદન ઝીલે છે. આ પદ્ધતિ બિનજરૂરી શોર મચાવ્યા વગર સામૂહિક સમર્થન વ્યક્ત કરવાની એક શિસ્તબદ્ધ રીત છે. ભારતમાં પ્રથમ લોકસભાની રચના થઈ ત્યારથી આ રિવાજ ચાલ્યો આવે છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ પરંપરા સમાન રીતે પાળવામાં આવે છે.
રાજ્યસભાના નિયમોમાં તો વિદેશી મહેમાનોના સ્વાગત માટે ડેસ્ક થમ્પિંગની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આ અવાજ માઇક્રોફોન પર વધુ સ્પષ્ટ રીતે સંભળાય છે અને કાર્યવાહીમાં ખલેલ પહોંચાડ્યા વગર સભ્યોની લાગણી વ્યક્ત કરે છે.સમયની સાથે કેટલીક સંસદીય પરંપરાઓમાં ફેરફાર પણ જોવા મળ્યા છે. 2015માં જ્યારે સ્કોટિશ નેશનલ પાર્ટીના સાંસદોએ બ્રિટિશ સંસદમાં તાળીઓ પાડી હતી, ત્યારે તેમને ટોકવામાં આવ્યા હતા. જોકે, ભારતમાં નવી પેઢીના સાંસદો ક્યારેક આધુનિક રીતો અપનાવતા જોવા મળે છે, પરંતુ 'ટેબલ થપથપાવવું' એ આજે પણ ભારતીય સંસદની આગવી અને પવિત્ર ઓળખ બનીને ટકી રહ્યું છે.