તમે જે ખાઓ છો તે ફાસ્ટ ફૂડ છે કે જંક ફૂડ? આ તફાવત જાણ્યા પછી તમારી ખાવાની આદત બદલાઈ જશે!
આજના સમયમાં આપણે પિઝા, બર્ગર, ચિપ્સ કે કોલ્ડ ડ્રિંક્સને એક જ શ્રેણીમાં મૂકી દઈએ છીએ. સામાન્ય રીતે આપણે આ તમામ વસ્તુઓને જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ કહીએ છીએ. પરંતુ હકીકતમાં આ બંને શબ્દોના અર્થ અલગ-અલગ છે. આ તફાવત એટલો બારીક છે કે 99% લોકોને તેની જાણ હોતી નથી, જેના કારણે આપણે ઘણીવાર ખોટી ખાણીપીણીની પસંદગી કરી લઈએ છીએ.
આ બંને પ્રકારના ખોરાકનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. ફાસ્ટ ફૂડમાં વધુ તેલ અને મીઠું હોવાથી મેદસ્વીતા અને હૃદય રોગનું જોખમ વધે છે, જ્યારે જંક ફૂડના નિયમિત સેવનથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. જંક ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ તેને લાંબો સમય સાચવી રાખે છે, પરંતુ તે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે
ફાસ્ટ ફૂડ: સમયની બચત
ફાસ્ટ ફૂડ એ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિ સાથે સંબંધિત છે. તે એવો ખોરાક છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ગ્રાહકોને પીરસી શકાય છે. રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર મળતા બર્ગર, નૂડલ્સ કે મોમોઝ ફાસ્ટ ફૂડ છે. તેની ખાસિયત એ છે કે તે તાજું બનાવી શકાય છે અથવા પહેલાથી તૈયાર રાખવામાં આવે છે જેથી ગ્રાહકનો સમય બચે.
જંક ફૂડ: પોષણનો અભાવ
બીજી તરફ, જંક ફૂડને પોષણના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ એવો ખોરાક છે જેમાં કેલરી, ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ વધુ હોય છે, પણ વિટામિન્સ, મિનરલ્સ કે ફાઈબર નહિવત હોય છે. તેને 'એમ્પ્ટી કેલરી' વાળો ખોરાક કહેવાય છે કારણ કે તે પેટ ભરે છે પણ શરીરને કોઈ પોષણ આપતું નથી. પેકેટમાં મળતી ચિપ્સ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ આના ઉદાહરણ છે.
બંને વચ્ચેનો મુખ્ય તફાવત
આ બંનેમાં પાયાનો તફાવત એ છે કે દરેક જંક ફૂડ ફાસ્ટ ફૂડ હોઈ શકે છે, પરંતુ દરેક ફાસ્ટ ફૂડ જંક ફૂડ હોતું નથી. દાખલા તરીકે, જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને તાજું ફ્રૂટ સલાડ અથવા સ્ટીમ્ડ વેજિટેબલ્સનો ઓર્ડર આપો અને તે 5 મિનિટમાં મળી જાય, તો તે 'ફાસ્ટ ફૂડ' છે પણ 'જંક ફૂડ' નથી કારણ કે તે પૌષ્ટિક છે. જ્યારે પેકેટ ચિપ્સ બંને શ્રેણીમાં આવે છે.