માત્ર ડિગ્રી પૂરતી નથી, કરિયરમાં 'ઇન્ટર્નશિપ' છે ગેમ ચેન્જર....જાણો કેમ દરેક વિદ્યાર્થી માટે તે અનિવાર્ય છે?
આજના સમયમાં હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કરીને જોબ માર્કેટમાં પ્રવેશે છે, પરંતુ તેમાંથી ગણ્યાગાંઠ્યા લોકોને જ સારી તક મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે કંપનીઓ હવે માત્ર પુસ્તકિયા જ્ઞાન કે ઊંચા પર્સન્ટેજને જોતી નથી, પરંતુ એ જુએ છે કે વિદ્યાર્થી પાસે વાસ્તવિક દુનિયામાં કામ કરવાનો કેટલો અનુભવ છે. આ તફાવતને પૂરો કરવાનું કામ 'ઇન્ટર્નશિપ' કરે છે. કરિયરના શરૂઆતના તબક્કે ઇન્ટર્નશિપ એ માત્ર એક વધારાનું પ્રમાણપત્ર નથી, પરંતુ સફળતાનો પાસપોર્ટ છે. કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું, સમય મર્યાદાનું પાલન કરવું અને ટેકનિકલ ટૂલ્સનો ઉપયોગ કરવો એ શીખવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ અનુભવ વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે.
કોર્પોરેટ જગતમાં નેટવર્કિંગનું ખૂબ મહત્વ છે. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીને ઉદ્યોગના નિષ્ણાતો, સિનિયર્સ અને મેન્ટર્સ સાથે મળવાની અને તેમની પાસેથી શીખવાની તક મળે છે. આ સંબંધો ભવિષ્યમાં નોકરી મેળવવામાં અથવા ભલામણ મેળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ઘણીવાર સારી ઇન્ટર્નશિપ જ પ્રી-પ્લેસમેન્ટ ઓફરમાં ફેરવાઈ જતી હોય છે, એટલે કે કંપની ઇન્ટર્ન તરીકેના તમારા કામથી ખુશ થઈને તમને કાયમી નોકરીની ઓફર પણ આપી શકે છે.
ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીને વ્યાવસાયિક શિષ્ટાચાર શીખવા મળે છે. ઓફિસમાં કેવી રીતે વાત કરવી, ઈમેલ કેવી રીતે લખવા, ટીમ સાથે કેવી રીતે તાલમેલ બેસાડવો અને કામ પ્રત્યેની ગંભીરતા કેળવવી એ બધું જ અહીં શીખવા મળે છે. જે વિદ્યાર્થીઓએ અગાઉ ઇન્ટર્નશિપ કરી હોય, તેમને જ્યારે કાયમી નોકરી મળે ત્યારે તેઓ ઓફિસના વાતાવરણમાં ખૂબ જ ઝડપથી અનુકૂળ થઈ શકતા હોય છે. બાયોડેટા અથવા સીવીને મજબૂત બનાવવામાં ઇન્ટર્નશિપનો ફાળો સર્વોપરી છે. જ્યારે કોઈ એમ્પ્લોયર બે ફ્રેશર્સના સીવી જોતા હોય, ત્યારે જેની પાસે પ્રેક્ટિકલ ઇન્ટર્નશિપનો અનુભવ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઊમેદવાર માત્ર ભણવામાં જ નહીં પણ કામ કરવામાં પણ સક્ષમ છે.
આજના ગ્લોબલ માર્કેટમાં વિદેશની યુનિવર્સિટીઓ અને મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ઇન્ટર્નશિપને ખાસ મહત્વ આપે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ એ મૂંઝવણમાં હોય છે કે તેમને કયા ક્ષેત્રમાં કરિયર બનાવવું જોઈએ. ઇન્ટર્નશિપ તેમને આ મૂંઝવણ દૂર કરવામાં મદદ કરે છે. વાસ્તવિક કામ જોઈને વિદ્યાર્થી નક્કી કરી શકે છે કે તેને તે ક્ષેત્રમાં રસ છે કે નહીં. જો કોઈ ક્ષેત્ર તેને અનુકૂળ ન લાગે, તો તે પોતાની કરિયરની દિશા સમયસર બદલી શકે છે. વિદ્યાર્થીએ પોતાના અભ્યાસના વેકેશન દરમિયાન કે છેલ્લા સેમેસ્ટરમાં સારી ઇન્ટર્નશિપ શોધવાનો આગ્રહ રાખવો જોઈએ. ભલે તે પેઇડ હોય કે ન હોય, પણ જે શીખવા મળે છે તે અમૂલ્ય છે.