કુરુક્ષેત્રનું પિહોવા તીર્થ કેમ છે ખાસ? જ્યાં મહાભારતના આ મહાન યોદ્ધાનો થયો હતો અંતિમ સંસ્કાર
હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલું પિહોવા તીર્થને અત્યંત પ્રાચીન અને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ તીર્થ સરસ્વતી નદીના કિનારે વસેલું છે અને ખાસ કરીને પિતરોના શ્રાદ્ધ તેમજ પિંડદાન માટે પ્રસિદ્ધ છે.
માન્યતા છે કે, અહીં દર વર્ષે ચૈત્ર ચૌદશના અવસરે મોટો મેળો લાગે છે, જેમાં દેશભરમાંથી લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરવા આવે છે. વામન પુરાણ અનુસાર, અહીં સ્નાન કરવાથી ગંગા, યમુના, નર્મદા અને સિંધુમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે.
પૌરાણિક મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થાનનું નામ રાજા પૃથુના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે તેમણે પોતાના પિતાના અવસાન પછી અહીં સરસ્વતી નદીના તટે તેમનો અંતિમ સંસ્કાર અને પિંડદાન કર્યો હતો. અહીં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. એવી માન્યતા પણ છે કે અહીં મૃત્યુ થવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. મહાભારત, પદ્મ પુરાણ, ભાગવત પુરાણ અને વામન પુરાણ જેવા ગ્રંથોમાં પિહોવા તીર્થને અત્યંત પવિત્ર સ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું છે.
અહીં થયો હતો ભીષ્મ પિતામહનો અંતિમ સંસ્કાર
પિહોવા તીર્થને પિતૃની શાંતિ અને મોક્ષ સાથે જોડાયેલું અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો અહીં આવ્યા હતા અને યુદ્ધમાં માર્યા ગયેલા વીરો માટે પિંડદાન કર્યું હતું.
કહેવાય છે કે, ભીષ્મ પિતામહનો અંતિમ સંસ્કાર પણ આ જ સ્થાને થયો હતો અને તેમને અહીં મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. ત્યારથી લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે આ તીર્થ પર આવીને શ્રાદ્ધ અને તર્પણ કરે છે.
ભગવાન બ્રહ્મા અને કાર્તિકેય સાથે પણ સંબંધ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ જ પવિત્ર સ્થાને ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે આ વિસ્તારની પાવન ભૂમિ પર બેસીને સૃષ્ટિનું નિર્માણ થયું હતું. વામન પુરાણમાં પણ આ તીર્થનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
માન્યતા છે કે ભગવાન ઇન્દ્રે પણ અહીં આવીને પોતાના પિતૃનું પિંડદાન કર્યું હતું. વળી, મહર્ષિ વિશ્વામિત્રે આ જ ભૂમિ પર કઠોર તપસ્યા કરીને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. રાજા યયાતિએ અહીં અનેક યજ્ઞો કર્યા હતા. આ ઉપરાંત ભગવાન કાર્તિકેય પોતાના ગણો સાથે આ તીર્થમાં વાસ કરે છે એવી પણ માન્યતા છે.