April 9, 2026
ટેકનોલોજી

લિફ્ટ અને બેઝમેન્ટમાં ઇન્ટરનેટ કેમ પકડાતું નથી, 5G ના યુગમાં પણ કેમ સર્જાય છે આ સમસ્યા?

03:14:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>લિફ્ટ અને બેઝમેન્ટમાં ઇન્ટરનેટ </strong></span>કેમ પકડાતું નથી, 5G ના યુગમાં પણ કેમ સર્જાય છે આ સમસ્યા?</p>

આજના ડિજિટલ યુગમાં આપણો સ્માર્ટફોન આપણો પડછાયો બની ગયો છે, પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે જેવી તમે લિફ્ટમાં એન્ટ્રી લો છો કે બેઝમેન્ટમાં જાવ છો, તમારો આ સ્માર્ટફોન એક સામાન્ય ડબ્બો બની જાય છે? ચાલુ કોલ કટ થઈ જાય છે અને ઈન્ટરનેટના સિગ્નલ ગાયબ થઈ જાય છે. મોટાભાગના લોકો તેને સામાન્ય નેટવર્ક પ્રોબ્લેમ માને છે, પરંતુ તેની પાછળ વિજ્ઞાનનો એક અનોખો અને વર્ષો જૂનો નિયમ છુપાયેલો છે. આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટ આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે. આપણે ગમે ત્યાં હોઈએ, દુનિયા સાથે કનેક્ટેડ રહેવા માંગીએ છીએ.

જોકે, એક સામાન્ય અનુભવ એવો છે કે જે ક્ષણે આપણે લિફ્ટમાં પ્રવેશ કરીએ છીએ કે બિલ્ડિંગના બેઝમેન્ટમાં જઈએ છીએ, ત્યારે મોબાઈલના સિગ્નલ અચાનક ગાયબ થઈ જાય છે. ચાલુ કોલ કટ થઈ જાય છે અને ઈન્ટરનેટ ચાલતું બંધ થઈ જાય છે, જે પાછળ વિજ્ઞાનના ચોક્કસ કારણો જવાબદાર છે. લિફ્ટમાં નેટવર્ક ન આવવાનું સૌથી મુખ્ય કારણ તેની બનાવટ છે. મોટાભાગની લિફ્ટ સંપૂર્ણપણે ધાતુ (મેટલ) થી બનેલી હોય છે.

વિજ્ઞાનમાં આ સ્થિતિને ‘ફેરાડે કેજ’  તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ ધાતુની પેટી જેવી રચના હોય, ત્યારે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો એટલે કે મોબાઈલના રેડિયો સિગ્નલોને અંદર પ્રવેશવા દેતી નથી અને બહાર નીકળવા દેતી નથી. આથી જ લિફ્ટની અંદર મોબાઈલ એક નકામા ડબ્બા જેવો બની જાય છે.

જાડી કોંક્રિટની દીવાલો અને રેડિયો તરંગો

બેઝમેન્ટ અથવા ભોંયરાઓમાં નેટવર્કની સમસ્યા માટે કોંક્રિટ અને લોખંડના સળિયા જવાબદાર છે. મોબાઈલ સિગ્નલ રેડિયો તરંગો દ્વારા મુસાફરી કરે છે. જ્યારે આ તરંગો જાડી કોંક્રિટની દીવાલો અને લોખંડના માળખા સાથે અથડાય છે, ત્યારે તેમની શક્તિ નબળી પડી જાય છે. રેડિયો તરંગો આવી ગાઢ દીવાલોને ભેદી શકતા નથી, જેના કારણે જમીનની નીચે સિગ્નલ પહોંચી શકતા નથી.

ફ્રીક્વન્સી અને સ્પીડનો તફાવત

નેટવર્કની ફ્રીક્વન્સી પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. આધુનિક 4G અને 5G નેટવર્ક હાઈ-ફ્રીક્વન્સી પર કામ કરે છે, જે સ્પીડ તો વધારે આપે છે પરંતુ તેમની ભેદન શક્તિ (Penetrating power) ઓછી હોય છે. આથી, હાઈ-સ્પીડ નેટવર્ક દીવાલો કે મેટલ દ્વારા સરળતાથી બ્લોક થઈ જાય છે. તેની સરખામણીમાં જૂના 2G નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોવાથી તે ક્યારેક લિફ્ટ કે બેઝમેન્ટમાં કામ કરી શકે છે.

અંતર અને ભૌગોલિક અવરોધો મોબાઈલ સિગ્નલ હંમેશા ટાવરથી સીધી રેખામાં પ્રસારિત થવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આપણે બેઝમેન્ટમાં હોઈએ છીએ, ત્યારે આપણે માત્ર ટાવરથી દૂર જ નથી હોતા, પણ જમીનની સપાટીની નીચે હોઈએ છીએ. આ સ્થિતિમાં સિગ્નલને આપણા સુધી પહોંચવા માટે જમીન, માટી અને બિલ્ડિંગના અનેક માળાઓને પાર કરવા પડે છે. આટલા બધા અવરોધોને કારણે સિગ્નલની તીવ્રતા બેઝમેન્ટ સુધી પહોંચતા-પહોંચતા સાવ શૂન્ય થઈ જાય છે.

સિગ્નલ બૂસ્ટર અને આધુનિક ઉકેલો

હાલના સમયમાં મોટા મોલ્સ, હોસ્પિટલો અને કોર્પોરેટ ઓફિસોમાં આ સમસ્યાના ઉકેલ માટે 'સિગ્નલ રિપીટર' અથવા 'બૂસ્ટર' ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ ઉપકરણો બિલ્ડિંગની બહારથી સિગ્નલ પકડીને વાયર દ્વારા લિફ્ટ કે બેઝમેન્ટની અંદર પહોંચાડે છે. આ ઉપરાંત, ઘણી આધુનિક લિફ્ટમાં હવે ઇન્ટરકોમની સાથે ઇન-બિલ્ટ એન્ટેના પણ લગાવવામાં આવે છે જેથી ઇમરજન્સીમાં નેટવર્ક મળી રહે.

વાઇ-ફાઇ કોલિંગ: એક સરળ વિકલ્પ

જો લિફ્ટ કે બેઝમેન્ટમાં મોબાઈલ ટાવરનું નેટવર્ક ન હોય પણ વાઇ-ફાઇ કનેક્શન ઉપલબ્ધ હોય, તો ‘Wi-Fi Calling’ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તમારા ફોનમાં આ સેટિંગ ઓન રાખવાથી, સિમ કાર્ડના નેટવર્ક વગર પણ તમે ઇન્ટરનેટ દ્વારા કોલ કરી શકો છો અને વાતચીત કરી શકો છો. ટેકનોલોજીના આ સુધારાને કારણે હવે ધીમે-ધીમે લિફ્ટ અને બેઝમેન્ટમાં નેટવર્કની સમસ્યા ઓછી થઈ રહી છે.