શું ફ્લાઈટ ટીકીટના ભાવ વધશે ??: વધારાનો ચાર્જ નહિ લેવાના નિર્ણય સામે એરલાઇન્સ કંપનીઓનો વિરોધ
વધતા જતા ઈંધણના ભાવ અને એરલાઈન્સ કંપનીઓની વિવિધ સર્વિસ ચાર્જ વસૂલવાની નીતિને કારણે હવાઈ મુસાફરી સામાન્ય વર્ગ માટે મોંઘી બની રહી છે. ઘણીવાર ટિકિટના મૂળ ભાવ કરતા સીટ સિલેક્શન, લગેજ અને અન્ય સુવિધાઓના નામે લેવાતા વધારાના ચાર્જ મુસાફરોના ખિસ્સા પર મોટો બોજ નાખે છે. સરકારના નવા નિયમો આ વધારાના છુપા ખર્ચાઓને મર્યાદિત કરી સામાન્ય નાગરિક માટે મુસાફરી વધુ સસ્તી અને પારદર્શક બનાવવાનો પ્રયાસ છે.
સરકારનો નવો આદેશ અને ફેરફારો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓ માટે જારી કરેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે મુસાફરોને સીટ પસંદગીમાં મોટી રાહત મળશે:
સીટ બુકિંગ: અત્યાર સુધી એરલાઇન્સ માત્ર 20% સીટો જ મફત આપતી હતી, જ્યારે 80% સીટો પર વધારાનો ચાર્જ વસૂલાતો હતો. હવેથી દરેક ફ્લાઈટની 60% સીટો કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ઉપલબ્ધ કરાવવી પડશે.
ગ્રુપ બુકિંગ: એક જ PNR પર બુકિંગ કરાવનાર પરિવાર કે મિત્રોને હવે અલગ-અલગ બેસાડવાને બદલે ફરજિયાત સાથે અથવા આસપાસની સીટો આપવી પડશે.
અન્ય સુવિધાઓ: પાલતુ પ્રાણીઓ, સ્પોર્ટ્સ સાધનો અને સંગીતના વાદ્યો લઈ જવા માટેના નિયમોમાં પણ સરળીકરણ કરવામાં આવ્યું છે.
ખર્ચમાં ઘટાડો: અગાઉ 'પ્રેફર્ડ સીટ' માટે મુસાફરોએ 500 થી 3,000 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ કરવો પડતો હતો, જે હવે ઘટશે.
એરલાઇન્સ કંપનીઓનો વિરોધ અને દલીલો
ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ' (FIA) એ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દલીલ કરી છે કે એરલાઇન્સ ખૂબ જ ઓછા નફાના માર્જિન પર કામ કરે છે, સીટ પસંદગીનો ચાર્જ આવકનો મહત્વનો ભાગ છે. જો આ વધારાની આવક બંધ થશે, તો કંપનીઓએ બેઝ ભાડામાં વધારો કરવાની ફરજ પડશે. ફ્યુઅલ અને એરપોર્ટ મેન્ટેનન્સ ચાર્જ સતત વધી રહ્યા હોવાથી આર્થિક બોજ વધશે. સરકારે આ નિર્ણય લેતા પહેલા એરલાઇન્સ ઉદ્યોગના હિતધારકો સાથે પૂરતી ચર્ચા કરી નથી.
સરકારનો ઉદ્દેશ્ય મુસાફરોને આર્થિક રાહત આપવાનો છે, પરંતુ જો એરલાઇન્સ કંપનીઓ પોતાની ખોટ ભરપાઈ કરવા ટિકિટના મૂળ ભાવ વધારી દેશે, તો આ રાહતનો વાસ્તવિક લાભ મુસાફરો સુધી પહોંચશે કે કેમ તે જોવું રહ્યું.