લોકસભાની બેઠકો વધીને 816 થશે? મહિલાઓ માટે 273 બેઠકો અનામત રાખવા લવાશે પ્રસ્તાવ
ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં સપ્રમાણ પ્રતિનિધિત્વ એ લોકશાહીનો પાયો છે. વર્ષોથી લોકસભાની બેઠકોમાં વધારો અને મહિલાઓની ભાગીદારી વધારવા માટે અનામતની માંગ પ્રબળ રહી છે. હવે સરકાર વસ્તી ગણતરી અને સીમાંકનની જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવીને 2029 ની ચૂંટણી પહેલા જ સંસદનું ચિત્ર બદલી નાખવાની દિશામાં આગળ વધી રહી છે. આ ફેરફાર માત્ર બેઠકોનો આંકડો જ નહીં, પણ દેશની નીતિ-નિર્માણ પ્રક્રિયામાં મહિલાઓના અવાજને મજબૂત બનાવશે.
લોકસભાનું નવું સ્વરૂપ: 543 થી 816 સુધીની સફર
સંસદના વર્તમાન સત્રમાં જ સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો છે. પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ બેઠકો હાલની 543 થી વધારીને 816 કરવામાં આવી શકે છે. કુલ બેઠકો પૈકી 33% એટલે કે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનું આયોજન છે. અગાઉ નવી વસ્તી ગણતરી બાદ જ અનામત લાગુ કરવાની શરત હતી, પરંતુ હવે 2011 ની વસ્તી ગણતરીના આધારે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી 2029 પહેલા અમલી બનાવવાની યોજના છે.
બે મહત્વના બિલ અને રાજકીય સમીકરણો
આ પરિવર્તન લાવવા માટે સરકાર 'નારી શક્તિ વંદના અધિનિયમ' અને 'સીમાંકન' કાયદામાં સુધારા કરવા માટે બે અલગ બિલ લાવવાની તૈયારીમાં છે. આ બિલો પસાર કરવા માટે સંસદમાં બે તૃતિયાંશ (2/3) બહુમતી અનિવાર્ય છે. ભાજપ અને શિવસેના (UBT) વચ્ચે ચર્ચાઓ થઈ ચુકી છે. સરકાર હવે YRS કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, NSPSP, RJD અને AIMIM જેવા પક્ષોનું સમર્થન મેળવવા પ્રયત્નશીલ છે. કોંગ્રેસ સાથે હજુ વાતચીત બાકી છે.
અનામતની સિસ્ટમ અને વિધાનસભાઓ
નવી વ્યવસ્થા મુજબ 273 અનામત બેઠકોમાં SC અને ST વર્ગની મહિલાઓને તેમના નિર્ધારિત ક્વોટા મુજબ હિસ્સો મળશે. જોકે, OBC મહિલાઓ માટે અત્યારે કોઈ અલગ જોગવાઈ નથી. મહત્વનું છે કે આ જ 'લોકસભા મોડેલ' રાજ્યોની વિધાનસભાઓમાં પણ લાગુ કરવાની સરકારની યોજના છે.
નોંધનીય છે કે સપ્ટેમ્બર 2023 માં જ આ બિલ પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી, પરંતુ હવે તેના અમલીકરણની ચોક્કસ તારીખ અને ફેરફારો અંગે કેન્દ્ર સરકાર નોટિફિકેશન બહાર પાડી શકે છે.