વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે: યોગ્ય આહાર અને કસરતથી ઓટિઝમના 80 ટકા કેસ સુધારી શકાય છે - નિષ્ણાતો
આજે વિશ્વભરમાં ઓટિઝમના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે 2 એપ્રિલના રોજ ઉજવાતા 'વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે' નિમિત્તે નિષ્ણાત તબીબોએ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમના મતે, યોગ્ય આહાર, કસરત અને હોમિયોપેથી સારવારના સમન્વયથી ઓટિઝમથી પીડાતા બાળકોના જીવનમાં મોટો સુધારો લાવી શકાય છે.
80 ટકા કેસમાં માત્ર ડાયટ અને કસરત પૂરતા
શહેરના ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડૉ. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડૉ. કેતન પટેલે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓટિઝમના 80 ટકા કેસ માત્ર યોગ્ય ડાયટ અને કસરત દ્વારા સારા કરી શકાય છે. બાકીના 20 ટકા કેસોમાં મેટાબોલિક અને જીનેટિક કારણો જવાબદાર હોય છે, જ્યાં દવાઓની જરૂર પડે છે. ડૉ. કેતન પટેલના જણાવ્યા અનુસાર, હોમિયોપેથી દ્વારા જનીનિક અસરોને 90 ટકા સુધી નાબૂદ કરી શકાય છે. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે પશ્ચિમી દેશોની માર્ગદર્શિકાના બદલે ડાયટ અને વ્યક્તિગત સારવાર પર આધારિત પોતાનો નવો પ્રોટોકોલ અમલમાં મૂકવો જોઈએ.
વાલીઓ માટે ચેતવણી સમાન લક્ષણો
ડોક્ટરોએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે જો બાળકમાં અમુક લક્ષણો દેખાય તો તરત જ નિદાન કરાવવું. આ લક્ષણોમાં બાળકનું સમયસર ન બોલવું, નજર ન મેળવવી, એકલા રમવાનું પસંદ કરવું, કારણ વગર હસવું કે રડવું, વારંવાર કૂદકા મારવા અથવા એક જ જગ્યાએ ગોળ ફરવા જેવા વર્તનનો સમાવેશ થાય છે. વહેલું નિદાન જ આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ છે.
GFCF ડાયટ અને કસરતનું મહત્વ
ઓટિઝમની સારવારમાં GFCF (ગ્લુટેન ફ્રી, કેસીન ફ્રી) ડાયટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તબીબોની સલાહ છે કે દર્દીને પ્રાણીજન્ય દૂધ અને ઘઉંની બનાવટો આપવાનું બંધ કરીને તેના બદલે સોયા મિલ્ક, બાજરી અને લીલા શાકભાજી આપવા જોઈએ. આ ઉપરાંત, સાયકલિંગ અને સ્વિમિંગ જેવી શારીરિક કસરતો પણ બાળકના વિકાસમાં ખૂબ ઝડપી સુધારો લાવે છે.
100 થી વધુ બાળકોની નિઃસ્વાર્થ સેવા
વર્તમાનમાં વૈશ્વિક સ્તરે દર 36 માંથી 1 બાળક ઓટિઝમથી પીડિત છે, જે આંકડો કેન્સર અને ડાયાબિટીસ કરતા પણ વધારે છે. પરંતુ, જરૂરિયાતમંદ દર્દીઓ માટે ડૉ. પટેલ અને ડૉ. શેઠ દ્વારા પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. હાલમાં તેઓ ઓટિઝમથી પીડાતા 100 થી વધુ બાળકોની સારવાર, જીનેટિક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરપી પાછળ વાર્ષિક રૂ. 10 લાખ સુધીની આર્થિક મદદ પૂરી પાડી રહ્યા છે. વાલીઓએ આ રોગથી ગભરાવાને બદલે જાગૃત બનીને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.