વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે: શું તમારું બાળક ઓટિઝમથી પીડિત છે? રસોડામાં છુપાયેલા ઘરગથ્થુ ઉપચારો
દરેક બાળક ખાસ હોય છે, પણ અમુક બાળકોની દુનિયા આપણી દુનિયા કરતા થોડી અલગ અને અનોખી હોય છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ 'વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે' ઉજવી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ નથી કે ઓટિઝમ શું છે, પણ પ્રશ્ન એ છે કે શું આપણે તેને સમજવા તૈયાર છીએ? ઓટિઝમ એ કોઈ બીમારી નથી કે જેનો ઈલાજ હોસ્પિટલમાં જ મળે, પરંતુ આ એક એવી સ્થિતિ છે જેને પ્રેમ, ધીરજ અને તમારા ઘરના રસોડામાંથી શરૂ થતી સાચી જીવનશૈલી દ્વારા મેનેજ કરી શકાય છે.
ચાલો જાણીએ, બાળકની આંખોમાં છુપાયેલા એ મૌન સંકેતોને કેવી રીતે ઓળખવા અને રસોડાના ડબ્બામાં છુપાયેલા સ્વાસ્થ્યના ખજાનાથી તેમના જીવનમાં કેવી રીતે ઉજાસ પાથરવોઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ કોઈ માનસિક બીમારી કે ચેપી રોગ નથી, પરંતુ બાળકના મગજના વિકાસ દરમિયાન થતી એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે. આ સ્થિતિમાં બાળકની શીખવાની, વાતચીત કરવાની અને સામાજિક વ્યવહાર કરવાની રીત અન્ય બાળકો કરતા અલગ હોય છે. બાળકો પ્રત્યે સમાજમાં સ્વીકૃતિ અને જાગૃતિ લાવવાનો છે.
શરૂઆતી લક્ષણોને કઈ રીતે ઓળખશો?
બાળકમાં ઓટિઝમના લક્ષણો સામાન્ય રીતે 1 થી 3 વર્ષની ઉંમરમાં દેખાવા લાગે છે. જો બાળક આંખમાં આંખ મિલાવીને વાત ન કરતું હોય, પોતાના નામનો પ્રતિસાદ ન આપતું હોય, અથવા એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરતું હોય, તો તે ઓટિઝમનો સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત, કોઈ ચોક્કસ વસ્તુને ગોળ-ગોળ ફેરવવી કે એક જ પ્રકારની હલનચલન વારંવાર કરવી એ પણ આ સ્થિતિના મુખ્ય લક્ષણોમાં સામેલ છે.
નિદાનમાં વિલંબ ટાળવો જરૂરી
મોટાભાગના કિસ્સાઓમાં માતા-પિતા બાળકની આવી વર્તણૂકને 'શરમાળ સ્વભાવ' માનીને અવગણે છે, જે પાછળથી ગંભીર બની શકે છે. ઓટિઝમમાં 'અર્લી ઇન્ટરવેન્શન' એટલે કે વહેલું નિદાન ખૂબ મહત્વનું છે. જેટલી વહેલી આ સ્થિતિની ખબર પડે, તેટલી જ ઝડપથી સ્પીચ થેરાપી અને બિહેવિયરલ થેરાપી દ્વારા બાળકના કૌશલ્યો વિકસાવી શકાય છે અને તેને સામાન્ય જીવન તરફ વાળી શકાય છે.
રસોડામાંથી મળતી મદદ
રસોડામાં છુપાયેલી સારવારનો અર્થ એ છે કે બાળકની આહારશૈલીમાં ફેરફાર કરીને તેના વર્તનમાં સુધારો લાવી શકાય છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ, ઓટિઝમ પીડિત બાળકોના આંતરડા અને મગજ વચ્ચે સીધો સંબંધ હોય છે. રસોડામાંથી મેંદાની વસ્તુઓ, વધુ પડતી ખાંડ અને આર્ટિફિશિયલ કલરવાળો ખોરાક દૂર કરવાથી બાળકની અતિશય ચંચળતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
કુદરતી મસાલા
ઘણા નિષ્ણાતો 'ગ્લુટેન-ફ્રી અને કેસીન-ફ્રી' ડાયેટની સલાહ આપે છે. જેમાં ઘઉં અને દૂધની બનાવટો બંધ કરીને તેના બદલે જુવાર, બાજરી કે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા રસોડામાં રહેલી હળદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે, જ્યારે આદુ અને લસણ પાચનતંત્ર સુધારે છે. આ નાનકડા ફેરફારો બાળકની એકાગ્રતા વધારવામાં અને ગુસ્સો શાંત કરવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે.
સ્વીકૃતિ અને સહકાર એ જ સાચો માર્ગ
છેલ્લે, એ સમજવું અનિવાર્ય છે કે રસોડાના ઉપચારો માત્ર પૂરક મદદ છે, તે પ્રોફેશનલ ડૉક્ટરની સલાહનો વિકલ્પ નથી. ઓટિઝમ પીડિત બાળકને દવા કરતા વધુ પ્રેમ, ધીરજ અને સ્વીકૃતિની જરૂર હોય છે. જ્યારે પરિવાર અને સમાજ આવા બાળકોની ખૂબીઓને ઓળખી તેમને પ્રોત્સાહન આપે છે, ત્યારે તેઓ પણ પોતાની મર્યાદાઓ વટાવીને અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.