શું માત્ર પૈસાથી જ મળે છે સુખ? હેપ્પીનેસ રિપોર્ટના આ ખુલાસાએ આખી દુનિયાને ચોંકાવી દીધી, જાણો દુનિયાનો સૌથી ખુશ દેશ કયો...
World Happiness Index Report : વર્ષ 2026નો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જાહેર થઈ ચૂક્યો છે અને તેમાં ફરી એકવાર ઉત્તર યુરોપિયન દેશોનો દબદબો જોવા મળ્યો છે. ફિનલેન્ડ સતત નવમા વર્ષે વિશ્વનો સૌથી ખુશખાલ દેશ સાબિત થયો છે, જેણે 10માંથી 7.764નું પ્રભાવશાળી રેટિંગ મેળવીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. નિષ્ણાતોના મતે ફિનલેન્ડની આ સફળતા પાછળ તેની મજબૂત સામાજિક સુરક્ષા વ્યવસ્થા, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ તેમજ નાગરિકોને મળતી વ્યક્તિગત સ્વતંત્રતા જેવા પરિબળો જવાબદાર છે. ફિનલેન્ડની પાછળ આઇસલેન્ડ બીજા ક્રમે અને ડેનમાર્ક ત્રીજા ક્રમે રહ્યા છે, જ્યારે મધ્ય અમેરિકન દેશ કોસ્ટા રિકાએ ચોથા ક્રમે આવીને આશ્ચર્યજનક રીતે ટોચના યુરોપિયન દેશોને ટક્કર આપી છે. આ યાદીમાં સ્વીડન, નોર્વે અને નેધરલેન્ડ જેવા દેશોએ પણ ટોપ-10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જે દર્શાવે છે કે સ્થિર સામાજિક માળખું માનસિક સંતોષ માટે કેટલું અનિવાર્ય છે.
ભારત માટે આ રિપોર્ટ મિશ્ર લાગણીઓ લઈને આવ્યો છે. વર્ષ 2026ના ઇન્ડેક્સમાં ભારત 116મા ક્રમે રહ્યું છે, જે પાછલા વર્ષોની સરખામણીએ આંશિક સુધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ભારત 2024માં 126મા અને 2025માં 118મા ક્રમે હતું, જે જોતા ભારત ધીમે ધીમે ખુશીના ગ્રાફમાં ઉપર ચડી રહ્યું છે. અહેવાલ મુજબ ભારતના રેન્કિંગમાં સુધારો આવવાનું એક મોટું કારણ વૃદ્ધોમાં જોવા મળતો જીવન સંતોષ છે. જોકે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવા છતાં, સામાજિક માપદંડો અને માનસિક સુખાકારીની દ્રષ્ટિએ ભારત હજુ પણ વિશ્વના ઘણા નાના દેશો કરતા પાછળ છે. આ રિપોર્ટ એક ચિંતનનો વિષય પણ છે કે માત્ર આર્થિક સમૃદ્ધિ (GDP)એ નાગરિકોની વાસ્તવિક ખુશીનું એકમાત્ર માપદંડ હોઈ શકતી નથી.
સૌથી વધુ ચોંકાવનારી બાબત પાડોશી દેશો અને પશ્ચિમ એશિયાના દેશોના રેન્કિંગમાં જોવા મળી છે. આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલું પાકિસ્તાન 104મા ક્રમે રહીને ભારત કરતા ખુશીની દ્રષ્ટિએ આગળ નીકળી ગયું છે. તેવી જ રીતે, સતત યુદ્ધ અને સુરક્ષાના પડકારો વચ્ચે ઘેરાયેલું ઇઝરાયલ આશ્ચર્યજનક રીતે 8મા ક્રમે રહ્યું છે, જે તેના નાગરિકોમાં રહેલી પરસ્પર સહયોગની ભાવના અને મજબૂત સામાજિક નેટવર્ક સૂચવે છે. ઈરાન પણ 97મા ક્રમે રહીને ભારત કરતા સારી સ્થિતિમાં છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે કટોકટીના સમયમાં પણ સામાજિક સમર્થન અને વ્યક્તિગત સ્વતંત્રતા લોકોની જીવન જીવવાની ગુણવત્તામાં મહત્વનો ભાગ ભજવે છે.
બીજી તરફ, વિશ્વના શક્તિશાળી અંગ્રેજી ભાષી દેશોની સ્થિતિ આ વર્ષે કથળી હોય તેવું જણાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ વખતે ટોપ-20માંથી બહાર ફેંકાઈને 23મા ક્રમે સરકી ગયું છે, જ્યારે યુકે 29મા અને કેનેડા 25મા સ્થાને ધકેલાયું છે. ઓસ્ટ્રેલિયા 15મા ક્રમે રહીને પશ્ચિમી દેશોની લાજ બચાવવા પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટના અંતિમ છેડે નજર કરીએ અફઘાનિસ્તાન અને સિએરા લિયોન વિશ્વના સૌથી નાખુશ દેશો સાબિત થયા છે. ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે પણ વિશ્વના ઘણા ભાગોમાં માનવીય મૂલ્યો અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમમાં સુધારો જોવા મળ્યો છે, જે ભવિષ્ય માટે એક આશાસ્પદ સંકેત છે.