ભારતમાં 100 ને પાર, અહીં માત્ર 2 રૂપિયા! જાણો કયો છે આ દેશ જ્યાં પેટ્રોલના ભાવ સાંભળીને તમે પણ ત્યાં રહેવા ઈચ્છશો
વર્તમાન સમયમાં જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે ઉત્તર આફ્રિકાના દેશ લીબિયામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં ઈંધણની અછત અને મોંઘવારી વચ્ચે પણ લીબિયા એક એવો દેશ સાબિત થયો છે જ્યાં યુદ્ધ કે આર્થિક કટોકટીની કોઈ અસર જોવા મળી નથી. અહીં આજે પણ પેટ્રોલની કિંમત પાણી કરતા પણ ઓછી એટલે કે માત્ર 2 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. ભારત જેવા દેશોમાં જ્યાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે, ત્યાં લીબિયાના નાગરિકો માટે ઈંધણ જાણે મફતના ભાવે મળી રહ્યું છે.
3 એપ્રિલ, 2026ના આંકડા મુજબ, લીબિયામાં પેટ્રોલ અંદાજે 0.15 લીબિયન દીનાર પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જે ભારતીય ચલણમાં માત્ર 2 રૂપિયા અને 14 પૈસા જેટલું થાય છે. આનો અર્થ એ થયો કે સામાન્ય માણસ માત્ર 50 રૂપિયા જેવી નજીવી રકમમાં પોતાની કારની આખી ટાંકી ફૂલ કરાવી શકે છે. લીબિયા વિશ્વના સૌથી સસ્તા પેટ્રોલવાળા દેશોની યાદીમાં પ્રથમ સ્થાને બિરાજમાન છે. આટલી ઓછી કિંમત પાછળનું મુખ્ય કારણ લીબિયા પાસે રહેલા વિશાળ તેલના ભંડાર છે. લીબિયા વિશ્વના અગ્રણી તેલ ઉત્પાદક દેશોમાં સામેલ છે અને ત્યાં તેલનું ઉત્પાદન જરૂરિયાત કરતા ઘણું વધારે છે.
આ કુદરતી સંપત્તિનો સીધો લાભ ત્યાંની સરકાર પોતાના નાગરિકોને આપી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવા છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રહે છે. લીબિયાની સરકાર દ્વારા ઈંધણ પર આપવામાં આવતી ભારે સબસિડી આ સસ્તા પેટ્રોલનું બીજું મોટું કારણ છે. વર્ષ 2011 પછી લીબિયાએ અનેક રાજકીય ઉતાર-ચઢાવ, ગૃહયુદ્ધ અને અસ્થિરતા જોઈ છે, તેમ છતાં ત્યાંની સરકારે ઈંધણ સબસિડીની નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકાર માને છે કે જનતાને પાયાની સુવિધાઓ સસ્તા દરે પૂરી પાડવાથી જનસમર્થન જાળવી શકાય છે, જેને તજજ્ઞો 'નો પીસ નો વોર' સ્ટ્રેટેજી તરીકે પણ ઓળખાવે છે.
વૈશ્વિક સ્તરે સરખામણી કરવામાં આવે તો ઇરાન અને વેનેઝુએલા જેવા તેલ સમૃદ્ધ દેશોમાં પણ પેટ્રોલ ઘણું સસ્તું છે. ઇરાનમાં પેટ્રોલની કિંમત અંદાજે 2.5 થી 3 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે વેનેઝુએલામાં પણ ભાવ ઘણા નીચા છે. જોકે, આ તમામ દેશોમાં લીબિયા સૌથી મોખરે છે. લીબિયામાં પેટ્રોલના ભાવ વર્ષોથી લગભગ એકસમાન રહ્યા છે, જે અન્ય દેશો માટે એક આશ્ચર્યનો વિષય છે. જોકે, આ સસ્તા પેટ્રોલ પાછળ લીબિયાની આર્થિક સ્થિતિ અને રાજકીય જટિલતાઓ પણ જોડાયેલી છે. ભલે ત્યાં પેટ્રોલ સસ્તું હોય, પરંતુ દેશ લાંબા સમયથી આંતરિક વિખવાદો અને સુરક્ષાના પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યો છે.
તેમ છતાં, મોંઘવારીના આ યુગમાં જ્યારે વિકસિત દેશો પણ તેલના ભાવ નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે લીબિયાના આ આંકડા સામાન્ય માનવીને અચંબિત કરી દે તેવા છે. આમ, જ્યારે દુનિયા યુદ્ધની આશંકાઓ અને વધતી મોંઘવારીથી ચિંતિત છે, ત્યારે લીબિયાના પેટ્રોલ પંપ પરની આ સ્થિતિ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. પચાસ રૂપિયામાં આખી ટાંકી ફૂલ કરાવી શકતા લીબિયાના નાગરિકો માટે પેટ્રોલ એ કોઈ મોંઘી જણસ નહીં પણ અત્યંત સામાન્ય પાયાની જરૂરિયાત બની રહી છે.