વિશ્વ નવકાર મહામંત્ર દિવસ: સામૂહિક જાપથી ગુંજી ઉઠ્યું ગગન, અમિત શાહે પવિત્ર મંત્રને વિશ્વશાંતિનો સાર્વભૌમિક માર્ગ ગણાવ્યો

વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' નિમિત્તે આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ સહિત દેશ-વિદેશમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સામૂહિક નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત રહી વિશ્વશાંતિ માટે આહવાન્ કર્યું હતું.

નવકાર મંત્ર: એક નિરાકાર અને સાર્વભૌમિક પ્રાર્થના
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ સંઘર્ષ અને અશાંતિના માર્ગે છે, ત્યારે આજે સામૂહિક નવકાર મંત્ર દ્વારા શાંતિનો સંદેશ ફેલાવવાનું ‘જીતો’નું આ કાર્ય અત્યંત પ્રશંસનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે નવકાર મંત્ર એ માત્ર કોઈ એક ધર્મનો મંત્ર નથી, પરંતુ એક નિરાકાર અને સાર્વભૌમિક પ્રાર્થના છે, જે કોઈપણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના જગાડે છે.
યુવા પેઢી માટે આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત
યુવા પેઢીને મંત્રશક્તિનું મહત્વ સમજાવતા અમિત શાહે તર્કપૂર્ણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, જેવી રીતે દવાની જૈવિક પ્રક્રિયા જાણ્યા વગર પણ તે રોગ મટાડવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે નવકાર મંત્રનું શ્રદ્ધાપૂર્વકનું રટણ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિવર્તન લાવે છે. તેમણે ‘નમો’ શબ્દની વ્યાખ્યા કરતા જણાવ્યું કે તેનો અર્થ વિશુદ્ધ સમર્પણ છે, જે મનુષ્યના અહંકારને ઓગાળીને તેને આંતરિક શત્રુઓ પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.

આંતરિક શત્રુઓ પર વિજય અને વાતાવરણની શુદ્ધિ
ગૃહમંત્રીએ પંચ પરમેષ્ઠીના મહિમાનું વર્ણન કરતા કહ્યું કે, આ મંત્ર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પાંચ પરમેષ્ઠીઓના 108 ગુણોને વંદન કરવાનો માર્ગ છે. આ મંત્ર આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય મેળવવામાં સહાયક બને છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સામૂહિક જાપથી વાતાવરણની શુદ્ધિ થશે અને પરસ્પર સમજણની શક્તિ વધશે.
મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય કૌશિકભાઇ જૈન તથા ‘જીતો’ ના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવીને અહિંસા અને સદભાવનાના પ્રસાર માટેના આ પ્રયાસને બિરદાવ્યો હતો. સંસ્થાના હોદ્દેદારોએ નવકાર મંત્રના આધ્યાત્મિક મહત્વની સાથે જીતો દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક કાર્યોથી પણ ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.