April 1, 2026
ગુજરાત

વિશ્વ ચકલી દિવસ: બામણાના ઇન્દુબેન પ્રજાપતિનું 'વિહંગનો વિસામો' અભિયાન અબોલ પક્ષીઓ માટે બન્યું આશીર્વાદ

05:08:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વિશ્વ ચકલી દિવસ:</span> બામણાના ઇન્દુબેન પ્રજાપતિનું 'વિહંગનો વિસામો' અભિયાન અબોલ પક્ષીઓ માટે બન્યું આશીર્વાદ</strong></p>

આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. આધુનિક કોંક્રિટના જંગલોમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓને બચાવવા માટે અરવલ્લીના બામણા ગામથી એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. 'શ્રવણ સુખધામ પંચવટી' સંસ્થા દ્વારા ચાલતા 'વિહંગનો વિસામો' અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 9700 થી વધુ માટીના માળા અને કુંડાઓનું વિતરણ કરીને પર્યાવરણ જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

હોસ્પિટલની પથારી પરથી પણ સેવાયજ્ઞ અવિરત ચાલુ રહ્યો 

કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મભૂમિ બામણા ગામનાં ઇન્દુબેન એસ. પ્રજાપતિ દ્વારા આ ભગીરથ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. ઇન્દુબેનનો પક્ષીપ્રેમ એ હદે છે કે જ્યારે તેઓ પોતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, ત્યારે પણ તેમણે આ અભિયાનને રોકાવા દીધું ન હતું. તેઓ વર્ષના 365 દિવસ આ પ્રવૃત્તિ ચલાવે છે અને 'ચાલશે, ફાવશે અને ભાવશે'ની મનોવૃત્તિ સાથે નિરંતર અબોલ જીવોની સેવા કરે છે.

9700 થી વધુ માળા અને કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ 

આજના સમયમાં ચકલીઓને માળો બાંધવાની પૂરતી જગ્યા મળતી નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે સંસ્થા દ્વારા પક્ષી ઘર, પાણીના કુંડા અને ચણપાત્રનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 9700 થી વધુ સામગ્રીનું વિતરણ થઈ ચૂક્યું છે. આ માટીના માળા વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયા છે, જે પક્ષીઓને ઉનાળામાં શીતળતા, શિયાળામાં હૂંફ અને ચોમાસામાં રક્ષણ આપે છે. તદુપરાંત, સંસ્થા દ્વારા આસપાસના શ્વાન અને વાનરો માટે પણ રોટલા અને લાડુની વ્યવસ્થા કરવામાં આવે છે.

સમાજના વિવિધ વર્ગોનો મળ્યો સાથ 

'નેચર ફોરેવર સોસાયટી'ના મોહંમદ દિલાવર દ્વારા શરૂ કરાયેલ વિશ્વ ચકલી દિવસની ઉજવણીને ઇન્દુબેને ગુજરાતમાં એક લોક-ઉત્સવ બનાવી દીધો છે. આ અભિયાનમાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ ગુજરાતના અનેક નામાંકિત કલાકારો, લેખકો, ડોક્ટરો અને હાસ્ય કલાકારો પણ જોડાયા છે. સમાજનો આ સહકાર દર્શાવે છે કે સારા ઈરાદાથી શરૂ કરેલા કામમાં સૌનો સાથ મળે જ છે.

આગામી સમયમાં આ અભિયાન થકી રાજ્યના વધુને વધુ ઘરોમાં માટીના માળા લાગશે તેવી અપેક્ષા છે. 'વિહંગનો વિસામો' અભિયાન લોકોને પ્રેરણા આપે છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરની છત કે ગેલેરીમાં એક માટીનો માળો અને પાણીનું કુંડું મૂકીને આંગણામાં ફરીથી ચકલીઓનો કિલકિલાટ ગુંજતો કરી શકે છે.