વિશ્વ ચકલી દિવસ: લખતરમાં 1,000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ
લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિને બચાવવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસના રોજ સુરેન્દ્રનાગરના લખતર શહેરમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. લખતરના સત્ય પ્રેમ કરુણા સેવા ટ્રસ્ટ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને 1000 જેટલા નિઃશુલ્ક ચકલીઘરનું વિતરણ કરીને અબોલ જીવો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
શાળાઓમાં વિતરણ અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા લખતર શહેરની કલરવ સ્કૂલ, બ્રિલિયન્ટ સ્કૂલ અને તાલુકા શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ચકલી માટેના ઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવી પેઢીમાં પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જળવાઈ રહે તે માટે સંસ્થાના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપીને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રજનન કાળ અને આકરી ગરમીમાં પક્ષીઓને મળશે સુરક્ષિત આશ્રય
પક્ષીવિદો અને પર્યાવરણ પ્રેમીઓના મતે, ચકલીઓ સામાન્ય રીતે 15 માર્ચથી 30 જૂન દરમિયાન પોતાના ઈંડા મૂકે છે અને બચ્ચાઓનો ઉછેર કરે છે. હાલના સમયમાં જ્યારે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, ત્યારે આ નાનકડા પક્ષીઓને સુરક્ષિત અને ઠંડકભર્યું આશ્રયસ્થાન મળી રહે તે અત્યંત જરૂરી છે. સંસ્થા દ્વારા અપાયેલા આ ચકલીઘર પક્ષીઓને ગરમીથી રાહત આપવાની સાથે તેમના ઈંડા અને બચ્ચાઓને સુરક્ષિત રીતે ઉછેરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
1000 પરિવારોના આંગણામાં ફરી ગુંજશે ચકલીઓનો કિલકિલાટ
સત્ય પ્રેમ કરુણા સેવા ટ્રસ્ટ દ્વારા આ ઝુંબેશ અંતર્ગત ચાલુ વર્ષે કુલ 1000 જેટલા પંખીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આકરા ઉનાળામાં પક્ષીઓ માટે આ આશ્રયસ્થાનો આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઝુંબેશની સાકારાત્મક અસર રૂપે આગામી દિવસોમાં લખતરના અનેક ઘરોના આંગણામાં લુપ્ત થતી ચકલીઓનો મધુર કિલકિલાટ ફરીથી ગુંજતો સાંભળવા મળશે તેવી અપેક્ષા છે.